ડિજિટલ એરેસ્ટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે ગઈકાલે જ દૂનિયાનો સૌથી મોટો કેસ સાયબર ક્રાઈમે ડિટેક્ટ કર્યો છે. સૌથી મોટો કેસ અમદાવાદ સાયબર ક્રાઈમે ડિટેક્ટ કર્યો છે. આ લોકો સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક કેસની નાગરિકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં 77 લાખ રૂપિયા અંગે ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં તપાસ કરતા આ સમગ્ર કેસ અમદાવાદ સાયબર ક્રાઈમે ડિટેક્ટ કર્યો છે.
આ કેસમાં સાયબર ક્રાઈમની ટીમે ચાર વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. આજના સમયમાં સૌથી મોટી ચેલેન્જ સાયબર એટેક છે, કારણ કે તે ના માત્ર ફાઈનાન્સિયલ ક્રાઈમ પણ સાથે સોશિયલ ક્રાઈમ પણ છે. આવા કિસ્સાઓમાં આપણા સારા નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો છે.
સાયબર ક્રાઈમના ગુનાઓમાં અમદાવાદ સાયબર ક્રાઈમને સૌથી મોટી સફળતા મળી છે. સામાન્ય રીતે સાયબર ક્રાઈમના ગુનાઓમાં સીમકાર્ડ, બેંક કાઉન્ટ, આપનાર કે રૂપિયાઓનું ટ્રાન્જેક્શન કરનાર આરોપીઓ પકડાતા હતા. પરંતુ પહેલીવાર 4 તાઈવાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે ચારેય આરોપીઓએ દેશમાં અલગ અલગ સેન્ટરો પર ડાર્ક રૂમ બનાવી ગણતરીને મિનિટોમાં જ કરોડો રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ થઈ શકે તેવી એપ્લિકેશન વિકસાવી હતી. સાથે જ સાયબર ક્રાઈમની આખી સિન્ડિકેટમાં દરેક વ્યક્તિને અલગ જવાબદારીઓ સોંપી હોવાનો ખુલાસો થયો છે.
છેલ્લા બે મહિનામાં સાયબર ક્રાઈમે વડોદરા, દિલ્હી અને મુંબઈમાં રેડ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી. જે 13 આરોપીઓની તપાસ બાદ 4 તાઇવાની નાગરિકોની વિગત સામે આવી હતી. જેમા મુ ચી સંગ, ચાંગ હાવ યુન, વાંગ યુન વેઈ ઉર્ફે સુમોકા અને શેન વેઈ હાવ ઉર્ફે ક્રિશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ચારે આરોપીઓએ મુંબઈ, બેંગલોર, દિલ્હી અને વડોદરામાં ડાર્ક રૂમ બનાવ્યા હતા. જે ડાર્કરૂમની મધ્યમથી તેમણે બનાવેલી એપ્લિકેશનની મદદથી છેતરપિંડી કરી મેળવવામાં આવતી રકમ ગણતરીની મિનિટોમાં જ હવાલા અને બેન્ક એકાઉન્ટ થઈ યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતી હતી. સાથે જ છેતરપિંડી માટે કંબોડિયા, વિયેતનામ, લાવોશ અને મ્યાનમારમાં કોલ સેન્ટર શરૂ કર્યા હતા.
ઝડપાયેલા ચારેય તાઈવાની આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ દિલ્હી અને બેંગ્લોરમાં સાયબર ક્રાઇમ માટે યુવકોને ભરતી કરવા તથા તેમણે આપેલી એપ્લિકેશનના મેન્ટેનન્સ અને એપ્લિકેશનના વેચાણ માટે આવ્યા હતા. ચાર તાઈવાની આરોપીની નીચે કામ કરતા 13 સ્થાનિક આરોપીઓની પણ અગાઉ સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. જેમાં 762 જેટલા સીમકાર્ડ, 120 મોબાઇલ, 9 રાઉટર, 96 ચેકબુક અને 50થી વધુ atm કાર્ડ કબજે કર્યા હતા. સાથે જ ઝડપાયેલા આરોપીઓ અને તેમાં વપરાયેલા એકાઉન્ટની તપાસ કરતા એનસીઆરબી ના રેકોર્ડ મુજબ 450 કરતાં વધુ ગુના નોંધાયા હોવાની હકીકત સામે આવી છે. જોકે સંપૂર્ણ તપાસ બાદ આ આંકડો 1000ને પાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.