ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત બાદ વાવનું ધારાસભ્ય પદ ખાલી થયું હતું. જેમાં ઘણા સમયથી સૌ પેટા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. ગઈકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે બનાસકાંઠાની બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે.
23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ જાહેર થશે. આ સાથે જ 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. વાવ વિધાનસભા બેઠક પર 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારે આ ખુબ ચર્ચિત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ સર્જાશે.
આ સાથે જ આજે ભાજપે વાવ વિધાનસભા બેઠક માટે પ્રભારીનું નામ જાહેર કર્યું છે. ભાજપ તરફથી વાવ વિધાનસભા બેઠક પર અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવ્યા છે. જે આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી સંભાળશે. ભાજપની આ તૈયારીઓ જોઈને લાગી રહ્યું છે કે હવે ભાજપ ગેનીબેનના ગઢમાં ગાબડું પાડવા એડીચોટીનું જોર લગાવવા તૈયાર છે. અને હવે આ બેઠક પર ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે તે જોવાનું રહ્યું.