રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાને તમામ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. જો કે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કાયદા વિભાગની કામગીરીથી કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારાજ થયા છે.ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાયદા વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો છે.
મુખ્યપ્રધાને સરકારી વકીલોની હાઈકોર્ટમાં કામગીરીને લઈને મોટી નારાજગી વ્યક્ત કરી છે અને CMએ કાયદા સચિવને પણ રાજ્ય સરકારના તમામ કેસમાં બારીકાઈથી ધ્યાન આપવા માટે સૂચના આપી છે. સરકારનો પક્ષ અને કામગીરી યોગ્ય રીતે હાઈકોર્ટ સમક્ષ મુકવા માટે પણ ટકોર કરવામાં આવી છે. હાઈકોર્ટમાં સરકાર સંલગ્ન કેસોમાં રાજ્ય સરકારનો પક્ષ યોગ્ય રીતે રજૂ ના થતો હોવાથી કાયદા સચિવની પણ મુખ્યપ્રધાને ઝાટકણી કાઢી હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હાઈકોર્ટમાં રાજ્ય સરકારની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની માગણી કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા નાણામંત્રી કનુ દેસાઈને પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ 50 ટકાથી વધારી 53 ટકા કરવાની માગણી કરવામાં આવી છે. અસહ્ય મોંઘવારી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.