ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા ઝુંબેશમાં ૧૫ ઓક્ટોબરની મુદતમાં વધારો કરી વધુ ૧૫ દિવસ સમય આપવામાં આવ્યો છે. આખા ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરી શકાયો નથી, પરંતુ તેની સામે રાજકોટ શહેર ભાજપ ટાર્ગેટૉથી આગળ ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાંથી મહિલા કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા 1.46 લાખ સભ્યો બનાવી આખા દેશની કુલ વિધાનસભામાં બીજા નંબરે અને ગુજરાતમાં પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે.
નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપ દ્વારા 4.44 લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 4.92 લાખ સભ્યો બનાવી દેવામાં આવ્યા છે. બાકીના 15 દિવસમાં 8000 સભ્યો પૂર્ણ કરી કુલ 5 લાખ સભ્યો નોંધવા ભારે જહેમત કરાઈ રહી છે.
આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બીજા નંબરે રાજકોટ શહેર ભાજપનો સમાવેશ થાય છે. પ્રથમ નંબરે અમદાવાદ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટીએ અમદાવાદ મોટું હોવાથી તે આગળ છે. રાજકોટ શહેરમાં માત્ર ચાર વિધાનસભા છે તે જોતા રાજકોટ પ્રથમ નંબર પર કહી શકાય. રાજકોટ શહેર ભાજપ દ્વારા કુલ 4.44 લાખનો લક્ષ્યાંક હતો, જેની સામે આજ દિવસ સુધીમાં 4 લાખ 92 હજાર 160 સભ્યો બનાવી દેવામાં આવ્યા છે. રાજકોટમાં ધારાસભ્યને 5000 સભ્યો બનાવવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
તેમને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવતી ચાર વિધાનસભામાં એક એટલે એક માત્ર મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા કે જેઓ આખા દેશની કુલ વિધાનસભા માં બીજા નંબરે આવે છે. તેમને અત્યાર સુધીમાં કુલ 1.46 લાખ સભ્યો બનાવ્યા છે. જ્યારે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે 1.11 લાખના લક્ષ્યાંક સામે 1.26 લાખથી વધુ સભ્યો બનાવી દીધા છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન 1.26 લાખથી વધુ સભ્યો બનાવ્યા છે અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા એ 95 હજારથી વધુ સભ્યો બનાવ્યા છે. આ સાથે સક્રિય સભ્ય નોંધણી અંગે તેમને જણાવ્યું હતું કે, જે આગેવાન દ્વારા 100 કે 100થી વધુ સભ્ય બનાવ્યા હોય તેઓ આપોઆપ સક્રિય સભ્ય તરીકે પસંદગી પામે છે. રાજકોટ શહેરમાં 1172 સક્રિય સભ્યો છે જે પણ અમે 1800 થી 2000 બનાવવા માટે પ્રયત્ન કરીશું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર સત્તામાં હોવા છતાં છેલ્લા દોઢ માસના અંતે પણ 2 કરોડના લક્ષ્યાંક સામે 50% ટાર્ગેટ જ પૂર્ણ થયો છે.