ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના પશુપાલન વિભાગમાં નવનિયુક્તી પામેલા પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ને નિમણૂંક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પશુપાલન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે આશરે ૧૨૩ નવનિયુક્ત પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત પશુ ચિકિત્સા અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાતના પશુ ચિકિત્સકો માત્ર તબીબી વ્યવસાયી નથી, તેઓ ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રની વણથંભી વિકાસ યાત્રાના મહત્વપૂર્ણ ભાગીદાર, જાહેર સ્વાસ્થ્યના રક્ષક અને પ્રાણી કલ્યાણના ચેમ્પિયન છે. તેમના પરિણામે જ ગુજરાતનું પશુપાલન, ડેરી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે છે, જ્યારે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે.
વંચિતોને પ્રાથમિકતા આપવી એ જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો મૂળમંત્ર છે. આજે જે નવયુવાનોને નિમણૂક પત્રો એનાયત થયા છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના સરહદી જિલ્લા અને તાલુકાઓમાં શ્રેષ્ઠ પશુચિકિત્સકોને નિમણૂંક આપીને છેવાડાના માનવીની સેવા કરવાનો આગવો અભિગમ દાખવ્યો છે. દુર્ગમ વિસ્તારમાં વસતા પશુપાલકો સુધી પહોંચીને પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૌ પશુ ચિકિત્સકોને અનુરોધ કર્યો હતો.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, નવનિયુક્ત પશુ ચિકિત્સકો તેમની શીખવાની વૃત્તિ અને અથાગ મહેનતથી આ મુકામ સુધી પહોંચ્યા છે. શીખવાની આ વૃત્તિને જીવનમાં ક્યારેય બંધ ન કરવા, એકધારા શીખતા રહેવા તેમજ સતત અપગ્રેડ થતા રહેવું જરૂરી છે. પશુ કલ્યાણ અને પશુ સેવાના ઉમદા અભિગમ સાથે નિષ્ઠાપૂર્વક કામ કરશો, ત્યારે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન તેજ ગતિએ અને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ કરીને નિમણૂંક આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ આજે પશુ ચિકિત્સકોને નિમણૂંક અપાઈ છે. આ પશુ ચિકિત્સકો શિક્ષક, સંશોધક, સસ્ટેઈનેબલ પ્રણાલીના પ્રણેતા અને ફૂડ સેફટીના મુખ્ય કર્તાહર્તા બનશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે નવનિયુક્ત અધિકારીઓને રાજ્ય સરકારમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવી, પશુ કલ્યાણ અને પશુ સારવારના ક્ષેત્રમાં પશુ ચિકિત્સા અધિકારીના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પશુ ચિકિત્સા અધિકારી તરીકે રાજ્ય સરકારમાં જોડાવવું એ માત્ર નોકરીનો ભાગ જ નથી, પરંતુ અનેક મૂંગા-અબોલ પશુઓની સેવા કરવાનો ઈશ્વરે આપેલો એક સોનેરી અવસર છે. એક સ્વસ્થ પશુ સાથે કૃષિ, પશુપાલન, ડેરી અને ગ્રામીણ આજીવિકા જેવા અનેક ક્ષેત્રો જોડાયેલા હોવાથી પશુ તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. પશુઓને રોગમુક્ત રાખવા તેમજ અસ્વસ્થ પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે સૌએ નિષ્ઠાપૂર્વક કામ કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સમારોહ દરમિયાન પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે પ્રાસંગિક ઉદબોધન કરીને નવનિયુક્ત પશુ ચિકિત્સકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકીને ગુજરાતના વિકાસ પામી રહેલા પશુપાલન ક્ષેત્ર અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે, સમારોહના પ્રારંભે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની પ્રસ્તાવના આપી હતી.
આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના નાયબ સચિવ શ્રી કમલેશ મકવાણા સહિત પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ નવનિયુક્ત પશુ ચિકિત્સા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.