વાવ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી વાવની વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેને લઈને આ ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ આ ચૂંટણીને લઈને હવે તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને ભાજપે ટિકિટ નહોતી આપી જેથી તેઓ ભાજપથી નારાજ હતા અને પછી તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભૂરાજીને સમજાવવા આવ્યા ત્યારે ભાજપના નેતાઓ સફળ રહ્યા.
બાદમાં ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસના આપણા આગેવાનને આપણા સમાજે જીતાડ્યા છે. સાથે જ તેઓ એવું પણ બોલ્યા કે એકવાર કે બે વાર નહીં ત્રણ વાર મામેરું ભર્યું છે. જેથી ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય. હાલ ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને વાવ વિધાનસભાની સીટ પર ઉભા રાખ્યા છે.
સ્વરૂપજી ઠાકોર 2022માં હાર્યા બાદ ભાજપે તેમના પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. જેથી ભૂરાજી ઠાકોરે પોતાના નિવેદનમાં ગેનીબેનને અનુલક્ષીને એવું પણ કહ્યું કે તમને ખોટા નથી કહેતા પરંતુ સ્વરૂપજી અમારો ભાઈ છે એટલે થોભી જાઓ.
ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભાની બેઠક પર સ્વરૂપજી ઠાકોરની સામે ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે ગેનીબેનની કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોર પણ ફરી ભાજપમાં જોડાઈ ગયા જે હાલ ચર્ચાનો મુદ્દો બની ગયો છે.