અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે શરૂ કરાયેલા પ્લાન્ટમાં દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલ થકી કલાકની ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરાશે
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લીધે શહેરમાંથી રોજેરોજ ઉત્પન્ન થતા હજારો મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ થકી ઊર્જા ઉત્પાદન અને શહેરની સ્વચ્છતા વધવાનો બેવડો ફાયદો થશે
અમદાવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નૂતન વર્ષ પૂર્વે અમદાવાદને સ્વચ્છ બનાવવાની દિશામાં વધુ એક ભેટ ધરતા રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ તખ્તી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યાર બાદ શ્રી અમિતભાઈ શાહે તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના આજના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.