બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવ્યો છે. થબાદ બેઠકમાંથી વાવ બેઠક પર ચૂંટણી લડવા આવેલ કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું. ભાભર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતના નિવેદને ચર્ચા જગાવી હતી. ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે, ગેનીબેન વાવ બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે રાજપૂત સમાજ તેની સાથે હતો. વાવ બેઠકનું ખેતર 3 વર્ષ માટે અડાણું માંગવા આવ્યો છું. વાવ બેઠક પર 2027 માં ચૂંટણીમાં જેને ટીકીટ મળશે તેમના માટે મહેનત કરીશ. 26 સાંસદમાંથી ગેનીબેન ઠાકોરને જ સમગ્ર ગુજરાત ઓળખે છે. મારા દાદા હેમાભાઈ 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે તેઓ સુખ-દુઃખનાં ભાગીદાર રહ્યા છે. ગેનીબેન ઠાકોરનો સ્વભાવ કડક છે મારો સ્વભાવ તો શાંત છે.
૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ ૨૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.૨૮ ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ ૧૦ ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
વાવની પેટાચૂંટણીમાં 10 ઉમેદવાર
▪️ ગુલાબસિંહ રાજપુત – કોંગ્રેસ
▪️ સ્વરૂપજી ઠાકોર – ભાજપ
▪️ ચેતનકુમાર ઓઝા – ભારતીય જન પરિષદ
▪️ જયેન્દ્ર રાઠોડ – અપક્ષ
▪️ માવજીભાઈ પટેલ – અપક્ષ
▪️ મનોજ પરમાર – અપક્ષ
▪️ માધુ નિરૂપાબેન – અપક્ષ
▪️ રાઠોડ મંજુબેન – અપક્ષ
▪️ ઠાકોર લક્ષ્મીબેન – અપક્ષ
▪️ હરિજન વિક્રમભાઈ – અપક્ષ