ભાડું વર્ષોથી નહીં ભરનાર 639 વેપારીઓને દિવાળી પહેલા નોટિસો ફટકારી 10 મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપી ભાડું ભરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી
ગાંધીનગરમાં માઈક્રોશોપિંગ, દુકાનો, લારી, પ્લોટ વગેરેનું ટોકનદરે ભાડું વર્ષોથી નહીં ભરનાર 639 વેપારીઓને દિવાળી પહેલા નોટિસો ફટકારી 10 મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપી ભાડું ભરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અવધિ પૂરા થવાને બેજ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોમવારથી કોર્પોરેશન તંત્ર દ્વારા બાકીદારો સામે સીલિંગ ઝુંબેશ શરૂ કરવાનો તખ્તો ગોઠવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં સરકારી જમીન પર નજીવા ભાડાથી વેપાર કરવાની પરવાનગી અપાય છે. મોંઘવારીના આ સમયમાં પણ સેકટર-21 શાક માર્કેટના ઓટલાનું વાર્ષિક ભાડું માત્ર રૂ.1700-1800 જેટલું છે. આમ છતાં 110 ઓટલાનું ભાડું 8-10 વર્ષથી ભરાયું નથી. જેના કારણે કુલ રૂ.46,85,500 ભાડું વસૂલવાની બાકી છે. અગાઉ એસ્ટેટ શાખામાં નિયમિત ભાડું જમા કરાવવા વેપારીઓને તાકિદ કરાઈ હતી. આમ છતાં ઘણાં વેપારીઓએ છેલ્લા 8-10 વર્ષોથી ભાડું ભર્યું નથી. જેના કારણે બાકી ભાડાંની રકમ કરોડો રૂપિયામાં પહોંચી છે. 18 ઓક્ટોબરે નાયબ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. 10 નવેમ્બર સુધીમાં વેપારીઓ બાકી ભાડું ન ભરે તો તેમની સામે માઇક્રોશોપીંગ/ દુકાનો સીલ કરવાની ચીમકી આ મીટિંગમાં અપાઈ હતી.
ગાંધીનગરમાં સેકટર-21માં શાક માર્કેટ માટે ઓટલાની ફાળવણી બાદ 1995-96ના વર્ષથી ભાડું લેવાની શરૂઆત થઈ હતી. તે સમયે એક ઓટલાનું ભાડું માત્ર રૂ.190 હતું. આ ભાડમાં દર વર્ષે 10 ટકા વધારો થતો હોવા છતાં વાર્ષિક ભાડું હાલ માત્ર રૂ.1700-1800 જેટલું છે. આમ છતાં 110 ઓટલાનું કુલ રૂ.46,85,500 ભાડું બાકી છે. વર્ષોથી પડતર ભાડાની વસૂલાત માટે એસ્ટેટ શાખા દ્વારા દિવાળી પહેલા નોટિસો આપવામાં આવી છે. એજ રીતે સેકટર-10 મીના બજારના માઈક્રોશોપિંગમાં કુલ 135 વેપારીઓએ ભાડું ચૂકવ્યું નથી. જેના કારણે બાકી ભાડાની રકમ વધીને રૂ.78,40,572 થઈ છે. સેકટર-21માં 121 લારી પ્લોટ પાસેથી રૂ.1,27,39,500 લેણાં નીકળે છે. માઈક્રોશોપિંગ તથા લારી પ્લોટનું માસિક ભાડું રૂ.1500થી 2000ની વચ્ચે છે. તેમ છતાં ભાડું ભરવામાં વેપારીઓ વર્ષોથી ઠાગા-ઠૈયા કરતા આવ્યા છે. જેનાં પગલે દિવાળી પહેલા બાકીદારો નોટિસો આપી છેલ્લી તક આપવામાં આવી હતી. તંત્ર દ્વારા છસ્સોથી વધુ વેપારીઓ પાસેથી રૂ. 5.50 કરોડ જેટલી ભાડાની વસુલાત માટે 10 મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અને રૂબરૂ જઈને પણ વેપારીઓને તાકીદ કરાઈ હતી. હવે છેલ્લી મુદતને બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોમવારથી મનપા તંત્ર દ્વારા વેપારીઓ સામે સીલિંગનું હથિયાર ઉઠાવવામાં આવશે.