પરિણીતાને લગ્નના ત્રીજા દિવસથી જ સાસરિયાએ પોત પ્રકાશયુ
પતિ સહિતના સાસરિયાએ નીચી જાતિની હોવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપ્યો, સાસુએ ગંગાજળથી શુદ્ધ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા
ગાંધીનગરનાં ઉમિયા માતાના મંદીરમાં લગ્ન કરીને સાસરીએ ગયેલ પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ નીચી જાતિની હોવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન સમયે પુત્રવધૂને પહેરવા આપેલા દાગીના સાસુએ ત્રીજા દિવસે ગંગાજળથી શુદ્ધ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. તો પતિએ પણ મારઝૂડ કરીને ઘરમાંથી તગેડી મૂકતા પરિણીતાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.
ગાંધીનગરના પેથાપુર પિયરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાને આંતરજ્ઞાતીય લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો છે.
ગાંધીનગરના કોબામાં રહેતા યુવકે પોતાના સમાજમાં યુવતીઓ નહીં મળતી હોવાથી પેથાપુરની યુવતી સાથે સામાજિક રાહે ઉમિયા માતા મંદિર કડવા પાટીદારની વાડીમાં 12 મી માર્ચ 2024 ના રોજ લગ્ન કર્યા હતા. જે અંગે સબ રજીસ્ટ્રાર કચેરીએ લગ્ન નોંધણી પણ કરાવી હતી.બાદમાં પરિણીતા અનેક અરમાનો સાથે સાસરીમાં રહેવા ગઈ હતી. પરંતુ લગ્નના ત્રીજા દિવસથી જ સાસરિયાએ પોત પ્રકાશયુ હતું. લગ્ન ના ત્રીજા દિવસે જ સાસુ એ કહેલ કે, લગ્ન સમયે પહેરવા આપેલા દાગીના પાછા આપી દે મારે એને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરવા પડશે. આ સાંભળી પુત્રવધૂ હચમચી ઉઠી હતી. અને સાસુએ તેની નજર સામે જ દાગીના ગંગાજળથી શુદ્ધ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા.
એ વખતે પરિણીતાએ કહેલું કે, લગ્ન પહેલાં જ આ બધી બાબતે વાતચીત થઈ ગઈ હોવા છતાં તમે આવું બોલો છો. આ સાંભળી સાસુએ એકદમ ઉશ્કેરાઈ જઈ દીકરાને ઘરે બોલાવી લીધો હતો.અને પતિએ ઘરે આવતાની સાથે પરિણીતાને લાફો ઝીંકી દઈ જાતિ વિષયક અપશબ્દો બોલી ધક્કામુક્કી કરી ઘરમાંથી કાઢવા લાગ્યો હતો. જો કે એ દિવસે પરિણીતા ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી હતી. જેનાં થોડા દિવસો પછી પતિ પત્ની હોસ્પિટલમાં દાખલ સાળાની ખબર અંતર પૂછવા ગયા હતા. જ્યાં પત્નીને મૂકીને પતિ એકલો જ ઘરે જતો રહ્યો હતો. ત્યારે સાંજે સાસરીમાં પહોંચતા જ સસરાએ મારા ઘરમાં શોભે નહિ કહીને તેણીને ઘરમાં ઘૂસવા પણ દીધી ન હતી. જેથી તે પોતાના પિયર જતી રહી હતી. જેનાં ત્રણેક દિવસ પછી પરિણીતા પાછી સાસરીમાં ગઈ હતી. પરંતુ સાસુએ રસોડામાં જવાની મનાઈ ફરમાવી જમવાનાં વાસણો પણ અલગ કરી દીધા હતા. અને દરેક બાબતે બધા આભડછેટ જેવો વર્તાવ કરવા લાગ્યા હતા.