છેલ્લા એક વર્ષમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ૩૮,૦૯૯ રૂટ કરી ૨૩.૬૦ લાખથી વધુ નાગરિકોને ઓન રૂટ ઓ.પી.ડી. સેવાઓ અપાઈ,મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા કુલ ૪.૯૦ લાખથી વધુ નાગરિકોના લેબોરેટરી ટેસ્ટ ખરાયા
અમદાવાદ
રાજ્યના ભૌગોલીક દુર્ગમ, પહાડી, દૂર-સુદૂર, અંતરિયાળ અને રણ વિસ્તારના નાગરિકોને ઘર આંગણે પાયાની આરોગ્ય સેવાઓ પહોચાડતી સેવા મોબાઈલ હેલ્થ યુનિટ.કોઈપણ દેશ અથવા રાજ્યના વિકાસમાં ત્યાંના નાગરિકોની આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે તેમની શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ-રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ અથાગ-અવિરત જનસ્વાસ્થ્ય સેવાના કાર્યો કરી રહ્યું છે.રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તેવા ઉમદા આશયથી હાલ ગુજરાતમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટો કાર્યરત છે. જેમાં ૪૫ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU), ૩૦ મોબાઈલ મેડિકલ યુનિટ (MMU) તેમજ ૫૩ મોબાઈલ હેલ્થ યુનિટ (એએસવી એમએયુ) અડીખમ છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪, વલસાડમાં ૧૧ અને બનાસકાંઠામાં ૦૯ મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત છે.
રોગનિદાન સારવાર સેવાઓ
છેલ્લા એક વર્ષમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ૩૮,૦૯૯ રૂટ કરી ૨૩.૬૦ લાખથી વધુ નાગરિકોને ઓન રૂટ ઓ.પી.ડી. સેવાઓ આપી છે. જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ૧૫,૯૮૩ રૂટ ઉપર ૧,૨૪,૪૫૪૦ દર્દીઓની સેવા આપી, મોબાઈલ હેલ્થ યુનિટે ૧૩,૦૯૭ રૂટ કરી ૩,૯૦,૭૧૨ તેમજ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ૯૦૧૯ રૂટ કરી ૭,૨૫,૦૨૫ નાગરિકોને સારવાર આપવામાં આવી છે.
રોગ અટકાયત અને આરોગ્ય વર્ધક સુવિધાઓ
મોબાઇલ હેલ્થ યુનિટ એમએચયુ, એમએમયુ અને એએસવી એમએયુ યુનિટ દ્વારા નાના બાળકોની સારવાર, રોગ અટકાયત માટે જરૂરી માર્ગદર્શન, આગણવાડી- શાળાના બાળકોની તપાસ અને સારવાર અંગત સ્વચ્છતા, તરૂણ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત તમાકુના રોગો, એચાઇવી/એઇડસ વિગેરે જેવા રોગો વિષે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા ૧૧,૩૫૯ પૂર્વ પ્રસૂતિ સંભાળ સેવા આપી છે. જ્યારે ૧.૨૫ લાખથી વધુ તરુણોને, ૫૯,૦૬૪ આંગણવાડીના બાળકોની તપાસણી કરી, ૧,૦૫૫ હાઈરીસ્ક માતાઓ તેમજ ૩૫૦ તાત્કાલિક સેવાઓ એમ કુલ મળીને ૧,૯૬,૯૦૪ નાગરિકોને મોબાઇલ હેલ્થ યુનિટ થકી સારવાર આપવામાં આવી છે.
લેબોરેટરી તપાસ સેવાઓ
મોબાઇલ મેડીકલ યુનીટમાં હિમોગ્લોબિન, મેલેરીયા સ્લાઇડ, પેશાબ સંબંધિત પ્રાથમિક આરોગ્યની તપાસ પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા કુલ ૪.૯૦ લાખથી વધુ નાગરિકોનો લેબોરેટરી તપાસ ઓન રૂટ કરવામાં આવી છે. જે અંતર્ગત ૩,૩૧,૧૫૪ નાગરીકોની લોહીની તપાસ, ૧,૨૬,૪૪૦ પેશાબની તપાસ તેમજ ૩૩,૨૮૬ નાગરીકોની મેલેરિયા પેરાસાઇટની તપાસણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઇલ હેલ્થ/મેડીકલ યુનીટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનુ સુચારુ સંકલન થાય તેમજ સરળતાથી સેવાઓ આપી શકે. સાથોસાથ દરેક મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટી.એચ.ઓ અને સી.ડી.એચ.ઓ દ્વારા એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન પ્રમાણે ચાલે છે અને આ વાહન ગ્રામ પંચાયત ખાતે ઉભું રહે છે.આ ઉપરાંત મોબાઇલ હેલ્થ યુનિટ, આરોગ્ય સંજીવની વાન(એમએચયુ) અને મોબાઇલ મેડીકલ યુનિટ જીપીએસ જેવી અદ્યતન ટેકનોલોજી સુવિધાયુક્ત છે. સાથે જ તેની સ્ટેટ લેવલે મોનીટરીંગ પણ કરવામાં આવે છે. આ મોબાઇલ હેલ્થ યુનિટમાં અને આરોગ્ય સંજીવની વાનમાં ડૉકટર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને ડ્રાઇવરની મદદથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ત્રિજયામાં ૨૦ થી ૩૫ હજારની વસ્તીને આવરી લેવામાં આવ્યો છે, જે રાજ્યના નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે.