બોપલ
10 તારીખે રાત્રે બોપલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે, તેના પર આ હુમલો થયો હતો. રોડની રોંગ સાઇડમાંથી પુરપાટ ઝડપે આવતી લક્ઝરી કાર આવી હતી. જેને લઈને વિદ્યાર્થીએ કાર ચાલકને ધીમે ચલાવવા માટે કહેતા, કાર ચાલકને એટલું ખરાબ લાગ્યું કે, તેણે વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. જે બાદ, છરીથી હુમલામાં ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીનું નામ પ્રિયાંશુ જૈન છે. 23 વર્ષીય પ્રિયાંશુ મૂળ યુપીના મેરઠ જિલ્લાનો રહેવાસી હતો. તે MBAનો અભ્યાસ કરવા અમદાવાદ આવ્યો હતો. હમણાં જ દિવાળી પર મેરઠમાં તેના ઘરે ગયો હતો. તહેવાર મનાવીને 4 નવેમ્બરે અમદાવાદ પરત ફર્યો હતો. મૃતકની મોટી બહેન ગીતિકા જૈન પરિણીત છે અને તે ગુડગાંવમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તે પણ દિવાળી પર ઘરે આવી હતી. ભાઈબીજના દિવસે પૂજા બાદ, જ્યારે બહેન અને તેની માતાએ પ્રિયાંશુને લગ્ન માટે પ્રશ્ન કર્યો તો, તેમણે કહ્યું કે, “પહેલા મને સારી નોકરી મળી જાય, પછી જ હું લગ્ન કરીશ. હું આટલો દૂર ભણવા ગયો છું, જેથી હું સારી રીતે અભ્યાસ કરી શકું અને ત્યાં સારી નોકરી મેળવી શકું. આ પછી હું લગ્નનું વિચારીશ.”
મૃતકના કાકા રાજીવ ગોયલે જણાવ્યું કે, પ્રિયાંશુ તેની બહેન ગીતિકા સાથે લગભગ દરરોજ વાત કરતો હતો. તેણે ફોન પર કહ્યું કે, ‘બહેન, હવે મારા ઇન્ટરવ્યુ શરૂ થઈ ગયા છે. કંપનીઓ આવી રહી છે અને મને એક સારો સૂટ શિવડાવવો છે.’ જે દિવસે આ ઘટના બની તે દિવસે તે સૂટનો માપ દેવા ગયો હતો. ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. તેમની માતાએ જણાવ્યું કે, પ્રિયાશું તેનો એકનો એક દિકરો હતો. હવે તેની બહેનને ભાઈ ક્યાંથી આપીશ?
આ સમગ્ર ઘટના બોપલમાં સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્ષથી રેઈનફોરેસ્ટ ઈન્ટરસેક્શન પાસે બની હતી, જ્યાં રોંગ સાઇડથી સ્પીડમાં આવતી કાર ડ્રાઈવરને બાઇક સવાર પ્રિયાંશુએ ધીમે ગાડી ચલાવવાનું કહ્યું હતું. પ્રિયાંશુએ એટલું જ કહ્યું- ‘તમે આટલી ઝડપથી ગાડી કેમ ચલાવો છો?’
કાર ચાલક આ વાત પચાવી શક્યો નહીં. 100 મીટર આગળ જઈને તે પાછો આવ્યો અને પ્રિયાંશુ જૈનને કહ્યું – ‘ઉભો રે… શું બોલ્યો તું, હું બતાવું તને…’ અને લડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાની કારમાંથી છરી કાઢીને પ્રિયાંશુ પર હુમલો કર્યો હતો. જેમાં પ્રિયાંશુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હુમલા સમયે હાજર રહેલા પ્રિયાંશુના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા દ્વારા પોલીસમાં FIR દાખલ કરવામાં આવી છે. જે મુજબ રવિવારે રાત્રે પ્રિયાંશુ તેના મિત્ર પૃથ્વીરાજ સાથે બાઇક પર ફરવા ગયો હતો. કોલેજમાં ઇન્ટરવ્યુ હોવાથી બંને કપડા સિલાઈ કરાવવા માટે દરજી પાસે ગયા હતા અને ત્યાંથી હોસ્ટેલ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રોંગ સાઇડથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી. જેના પર કાર ચાલકે પ્રિયાંશુની છરીના ઘા મારી હત્યા કરી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે અમદાવાદ (ગ્રામ્ય) એસપી મેઘના તેવરે જણાવ્યું હતું કે, પ્રિયાંશુ જૈનનો રોંગ સાઇડથી આવી રહેલી કાળા રંગની લક્ઝરી કારના ચાલક સાથે ઝઘડો થયો હતો. જે બાદ મારામારી અને પછી હત્યા થઈ હતી. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મૃતકનો પરિવાર તેમના મૃતદેહને અમદાવાદથી મેરઠ લઈ ગયા છે. તે જ સમયે, મૃતકના મિત્ર વતી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે કાર ચાલકનો સ્કેચ તૈયાર કર્યો છે. જેની પાસે તેના વિશે માહિતી હોય તેણે પોલીસને જાણ કરવી જોઈએ. તપાસ અને શોધ ચાલુ છે. સીસીટીવી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.