ગાંધીનગર જિલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવાની કવાયત હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલે પેથાપુરમાં દરોડો પાડ્યો હતો. સાબરમતી નદીના પટ નજીક ખુલ્લી જમીનમાં બિન્દાસ જુગારીઓ રમી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 11 જુગારીઓને રૂ.3.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે સ્થાનિક પોલીસ સાવ અંધારામાં રહી હતી.
પેથાપુર પોલીસ મથકની હદમાં સંજરી પાર્ક નજીક સાબરમતી નદીના પટમાં જુગાર ધામ ધમધમી રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડો પાડતાં પહેલા પોલીસે ખાનગી રાહે જુગારધામ અંગે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, નદી કિનારે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. રાત્રિના સમયે પણ જુગારના શોખીનોની અહીંયા ભીડ રહેતી હોય છે અને તેમના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
રાત્રિના સમયે લાઈટના અજવાળે જુગાર રમી રહેલા તત્વોને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોર્ડન કરી લીધા હતા, જેના કારણે જુગારીઓમાં નાસભાગ મચી હતી. પૂર્વ તૈયારી સાથે આવેલી સ્ટેટ મોનિટરિંગની ટીમે 11 જુગારીને આબાદ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા જુગારીઓમાં ઈમ્તિયાઝ ઉર્ફે બચ્ચન રહીમ ખાન પઠાણ, પ્રકાશ ઉર્ફે હીતો બેચરજી મકવાના (બંને રહે. પેથાપુર), અલ્ફાઝ નસીબમિયાં શેખ, ઈરફાન ઉર્ફે કુંદન ફકીરમહંમદ શેખ (બંને રહે. હિંમતનગર), રઘુસિંહ રામસિંહ મકવાણા (રખીયાલ, દહેગામ), દેવેન્દ્રસિંહ રામસિંહ રજાક અને ઝહીરખાન ઉસ્માન ખાન ફોલાદી (રહે. સિદ્ધપુર), વિક્રમસિંહ દિલીપસિંહ મકવાણા (રહે. આદીવાડા), ઝુબેરઅલી સબ્બીર અલી સૈયદ (રહે. વિજાપુર), કુંવરજી હેમંતજી ઠાકોર (રહે. દહેગામ), વિષ્ણુ સવજી રાવળ (રહે. વાવોલ)નો સમાવેશ થાય છે.
જગુબેન અને તેમના નોકર સોહેલખાન પઠાણે લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. દરોડા દરમિયાન તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા જુગારીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.