ગુજરાત રાજ્યમાં લોકડાઉન વખતે ઘણીજ ઘટનાઓ આગની બનવા પામી છે. ત્યારે ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેમ અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે ગુ.હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે, તેમાં ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજયમાં ફાયરસેફ્ટી ને લઈને અવારનવાર સવાલ ઉભા થઇ રહ્યા છે. જયારે-જ્યારે રાજ્યમાં આગની ઘટનામાં મોટી દુર્ઘટના સર્જાય છે. ત્યારે ત્યારે ફાયર વિભાગ હરકતમાં આવે છે. 10-15 દિવસ ફાયર વિભાગ કાર્યવાહી કરે છે પછી ધીમે-ધીમે કામગીરી બંધ થઇ જાય છે. પછી ફરી આગની ઘટના સામે આવે છે તો ફરીથી ફાયરના અધિકારીઓ ફાયર સેફટી મુદ્દે નોટિસ ઈશ્ય કરે છે. ત્યારે અમદાવાદમાં ફાયર સેફટી બાબતે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. તેના દર્શાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં 2200 જેટલી હોસ્પિટલ છે. તેમાંથી 700 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી અમદાવાદ શહેરમાં 2385 ખાનગી ટ્યુશન કલાસીસ છે અને તેમાંથી 185 ટ્યુશન કલાસીસ સંચાલકોએ ફાયર NOC લીધી નથી. શહેરની અંદર 1200 હોટેલ અને રેસ્ટોરન્ટ છે અને તેમાંથી 450 હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોની પાસે ફાયર વિભાગની NOC નથી. આ ઉપરાંત આ સોગંદનામામાં શહેરના 60 જેટલા મોલની અંદર ફાયર સેફટીનો અભાવ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ સોગંદનામા બાદ હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાને શહેરની 151 હોસ્પિટલની સામે નોટિસ ઈશ્ય કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તાત્કાલિક આ હોસ્પિટલોને નોટિસ ફટકારીને તેમને 24 ફેબ્રુઆરી સુધીમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માટે કહેવામાં આવ્યું છે. જો 24 ફેબ્રુઆરી સુધીમાં આ હોસ્પિટલમાં ફાયર સેફટી ઉભી કરવામાં અહીં આવે તો હોસ્પિટલ એક પણ દર્દીને દાખલ કરી શકશે નહી. હાઈકોર્ટને આદેશને પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ ફાયર સેફટી વગરની હોસ્પિટલોને નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોરોનાની મહામારી વચ્ચે ઓગસ્ટ 2020માં આગ લાગવાની ઘટના બની હતી અને જે સમયે ઘટના બની તે સમયે હોસ્પિટલ પાસેથી ફાયર વિભાગનું NOC પણ ન હતું. આ આગની ઘટનામાં 8 દર્દીઓના મોત થયા હતા. આ ઘટના પછી રાજ્યના અલગ-અલગ શહેરનો ફાયર વિભાગ હરકતમાં આવ્યો હતો અને ફાયર સેફટી વગરની હોસ્પિટલોને નોટિસ ઈશ્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે, ફાયર સેફ્ટી અને NOC વગરની હોસ્પિટલ નિયત સમય મર્યાદામાં NOC મેળવે છે કે, પછી ફાયર વિભાગ હોસ્પિટલ પર કાર્યવાહી કરે છે.