ગુજરાતમાં સુખી સંપન્ન સમાજ તરીકેની છાપ ધરાવતા પાટીદાર સમાજની વાત જ અનોખી છે. આ સમાજ હંમેશા કંઈક નવું કરી કરવામાં માને છે. ત્યારે પાટણના પાટીદાર સમાજ દ્વારા એવા ભવ્ય સમુહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં દુનિયા આખી જોતી રહી જાય. પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તથા મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આ સમૂહલગ્ન એકદમ શાહીઠાઠથી યોજાશે. જેના માટે 61 નવદંપતીનો 18.60 કરોડનો વીમો ઉતારાયો છે. તો દોઢ કરોડના ખર્ચે જર્મન ફાયર-વોટરપ્રૂફ ડોમ બનાવાયું છે. અહીં મહેમાનો માટે દેશી ચૂલા પર રસોઈ તૈયાર કરાશે. સમૂહ લગ્ન ખોડલધામ સંકુલ સંડેર ખાતે આગામી તારીખ 17 નવેમ્બરના રોજ પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તથા મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. સમાજના પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં 61 નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાશે. સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી સહીતના આગેવાનો હાજરી આપશે. તો અંદાજિત 25 હજારથી વધુ લોકો હાજરી આપશે. હાલ સમૂહ લગ્નની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમૂહ લગ્ન અંગેની માહિતી આપવામાં આવી. સમૂહ લગ્ન માટે આયોજકો દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
આયોજક હાર્દિક પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સમૂહ લગ્નમાં તમામ નવદંપતીઓને આયોજકો દ્વારા વીમા કવચથી એક વર્ષ સુધી સુરક્ષિત કરવામાં આવશે. તમામ 61 નવદંપતી માટે 18 કરોડ 60 લાખનો વીમો લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રવેશ દ્વારમાં ગાડુ, હળ, ઘંટી, વલોણું, પટારો, ફાનસ, હીંચકો, જુના દરવાજા સહિતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવશે. સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલો ના 15-15 લાખના વીમા ઉતારવા માટે રૂ.18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પૉલિસી પણ લેવામાં આવી છે. આ સાથે દરેક વરધોડીયાને સમૂહ લગ્નોત્સવ સ્થળે લાવવા લઈ જવા માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા 80 લકઝરી બસોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. સમૂહ લગ્નમાં આવનાર લોકોના કાઉન્ટીગ માટે કુલ 9 પિપલ કાઉન્ટીગ મશીન સમૂહ લગ્ન સ્થળ પર કાર્યરત કરાશે. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે તે માટેની તમામ વ્યવસ્થા પણ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરાઈ છે. સમૂહ લગ્નમાં નવદંપતીઓને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ આશિર્વચન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, મંત્રી રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, ડો. કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.