ગાંધીનગરના રિલાયંસ ચાર રસ્તાથી ઘ – 0 તરફ જતા ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટની સામેના રોડની ઝાડીમાં એપ્લીકેશન મારફતે વુમન બીગ બેસ લીગ 2024 ની ક્રિકેટ મેચનો લાઈવ સટ્ટો રમી રમાડતાં રાજકોટના સટોડિયાને એસઓજીએ પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના યુવાધનને ક્રિકેટ સટ્ટાનાં રવાડે ચઢાવનાર સટોડિયાઓની ઓળખ પ્રસ્થાપિત કરી કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ તાબાનાં અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, રીયાલન્સ ચોકડીથી ઘ- 0 તરફ જતા રોડ ઉપર ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટની સામેના રોડની ઝાડીમાં બેસી એક ઈસમ એપ્લીકેશનથી બુકીના સંપર્કમાં રહી હાલમાં ચાલતી વુમન બીગ ભેંસ લીગ 2024 ની લાઈવ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડી રહ્યો છે.
જે હકીકતના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટની સામેના રોડની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં આશાપુરા ફાસ્ટ ફુડ નામના કેબીન પાસે ત્રાટકી હતી. જ્યાં કાળા કલરનું પેન્ટ તથા ઓરેન્જ કલરની ડીઝાઇન વાળો શર્ટ પહેરેલ ઈસમ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા મળી આવ્યો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ રામ જીતેન્દ્રભાઈ પોપટ (ઉ.વ. 26, રહે.જસદણ ,જલારામ મંદીર પાસે સાંકળી શેરી જિ. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તેના મોબાઈલની ચકાસણી કરતા MY99EXCH નામની એપ્લીકેશન ચાલુ હતી. જેમાં આઈ ડી પાસવર્ડ નાખેલા હતા. જેનું બેલેન્સ જોતા રૂ. 4120 ક્રેડિટ બતાવતું હતું. જેણે એપ્લીકેશન દ્રારા રેનીગેટ્સ અને સ્ટાર્સ વચ્ચેની ચાલુ મેચનો સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ પૂછતાંછ કરતાં એક મોબાઈલ નંબરના બુકી મારફતે લાઈવ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડતો હતો. જેનાં પગલે એસઓજીએ 10 હજાર 700 નો મુદ્દામાલ જપ્ત કરી સટોડિયાની ધરપકડ કરી લીધી છે.