એન્જિયોપ્લાસ્ટીના દોઢ લાખ રૂપિયામાંથી ડો. વજીરાણીને 15 હજાર ચૂકવાતા હતા

Spread the love

 

 

શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે સર્જરી કરીને બે દર્દીને મોતને ઘાટ ઉતારવા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસના આરોપી ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ શુક્રવારે તેને સાથે રાખીને પોલીસે હોસ્પિટલ ખાતે તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલના માલિક, ડિરેક્ટર, ડોક્ટરો, એડમિનિસ્ટ્રેશન અને એચ.આર સ્ટાફમાં કોણ કોણ છે તેની તપાસ કરાઇ હતી. જોકે, માલિકો અને સ્ટાફ સહિતના લોકો હોસ્પિટલ ખુલ્લી મૂકીને જ ભાગી ગયા હોવાથી પોલીસને કાંઇ હાથ લાગ્યું નથી. તો બીજી બાજુ પોલીસે ફરાર આરોપીઓના ઘરે પણ સર્ચ કરતા આરોપી ડોક્ટરો, ડાયરેક્ટર, CEO સહિતના લોકો પરિવાર સાથે જ ભાગી ગયા હોવાનું સામે આવ્યુંં છે. બીજી બાજુ આ ફરાર આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાંચ અને ઝોન-1 LCBની ટીમો કામે લાગી છે. આ કેસની તપાસમાં પહેલા આરોપી ડોક્ટરને એક ઓપરેશનના 1500 રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા હોસ્પિટલને એન્જિયોગ્રાફીના ચાર હજાર મળતા હતા અને એન્જિયોગ્રાફી કરનાર ડોક્ટરને 800 રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એન્જિયોપ્લાસ્ટીના એકથી દોઢ લાખ વસૂલીને ડોક્ટરને 15 હજાર રૂપિયા અપાતા હોવાનો ખુલાસો થયો છે. સાથે જ પોલીસે હવે આ કેસમાં ફેમિલી એન્ડ વેલ્ફેર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરની ટીમની મદદ માગી છે. આ કેસમાં દર્દીઓની ફાઇલ અને ઓપરેશનની સીડીની વિસંગતતા બાબતે તપાસ માટે આ ટીમની મદદ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, તેણે કેટલાક સમય પહેલા કામ બંધ કરી દીધું હતું, પરંતુ દોઢેક માસથી તેણે આવવાનું શરૂ કર્યું હતું. ડો. પ્રશાંત વજીરાણી પોલીસ કસ્ટડીમાં છે ત્યારે સ્વાભાવિક રીતે તેને લોકઅપમાં રહેવું પડતું હોવાથી અનેક પ્રકારના નાટકો કરી રહ્યો છે. પહેલા તો આરોપીએ જમવાનો પણ ઈનકાર કર્યો હતો, પરંતુ હવે પોલીસ પાસે દાળ ભાત મગાવી રહ્યો છે. હોસ્પિટલના ડિરેક્ટર, CEO, હોદ્દેદારો કોણ છે અને અહીં કયા વિભાગમાં કોણ કામ કરે છે તેની વિગત મેળવવા પોલીસે આરોપીને સાથે રાખીને તપાસ કરી, પરંતુ તમામ લોકો હોસ્પિટલ ખુલ્લી મૂકીને ભાગી ગયા છે. સાથે જ આ કેમ્પનું આયોજન કોણે કર્યું અને તેમાં કોણ ગયુ હતું તેની પણ તપાસ હાથ ધરાઇ છે. હોસ્પિટલના કન્સલટન્ટ ફેકલ્ટીની પણ તપાસ કરાશે. પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે ત્યારે PMJAY યોજના અંગેની માહિતી આરોગ્ય વિભાગ પાસે માગી છે. આ યોજના હેઠળ ઓપરેશન કરવા માટે શું પ્રોસેસ હોય છે, આ વિભાગને હોસ્પિટલ દ્વારા દર્દીઓ બાબતે શું જાણ કરાઇ, કેવા પ્રકારના માપદંડ હોય છે તે તમામ બાબતોની માહિતીઓ મગાવવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગ પાસે હોસ્પિટલનું અને ડોક્ટરોનું રજિસ્ટ્રેશન છે કે કેમ તથા ઓપરેશન બાબતે ક્રોસ વેરિફિકેશન કરવા તજવીજ હાથ ધરાઇ છે. આ કેસના દર્દીની ફાઇલ અને ઓપરેશનની સીડીમાં રહેલી વિસંગતતાના વેરિફિકેશન બાબતે પણ આ ટીમોની મદદથી તપાસ કરાશે. આ કેસના તમામ આરોપીઓનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોવાની પણ ચર્ચા છે. હાઇપ્રોફાઇલ કેસ હોવા છતાંય ઉચ્ચ પોલીસ અધિકારીઓ માત્ર વસ્ત્રાપુર પોલીસની તપાસ પર નિર્ભર છે. સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ નીમાઇ ન હોવાને કારણે આ કેસમાં હજુ ફરાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાક્ષીઓ તથા કમિટીના સભ્યો સહિતના 15 લોકોના નિવેદન નોંધ્યા છે. સાથે જ પકડાયેલા આરોપી ડો.પ્રશાંત વજીરાણીના પિતા પ્રકાશભાઇ અને પત્ની પ્રિતીબેન પણ જાણીતા ડોક્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com