સમગ્ર ભારત ભરના માતૃતીર્થ એવા સિદ્ધપુર નગરપાલિકાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચર્ચાસ્પદ બની છે. નગરના ધારાસભ્ય અને નગરપાલિકાના સત્તાધીશોની માત્ર અને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાની રાજનીતિથી નગરજનો ત્રસ્ત બની ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે થોડાક સમય પૂર્વે પાણી ન મળવાને કારણે રોષે ભરાયેલા નગરજનોએ ‘ ભાજપના હોદ્દેદારો એ ચૂંટણી સમયે વોટ માગવા નહીં આવવું ‘ એવા બેનરો લગાડીને રોષ પ્રગટ કર્યો હતો. છતાં પણ ભાજપના નેતાઓ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરમાં પાણીના પ્રશ્ન અને નગર વિકાસના પ્રશ્નને લઇ અવારનવાર અંદરો અંદર ધમાસણ ચાલતું હોવાની ચર્ચાઓ છે. ત્યારે હાલમાં પણ સિદ્ધપુરના કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની ફરિયાદો છે. એટલું જ નહીં નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ પણ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં પણ પાલિકા પ્રમુખ અને કેટલાક હોદ્દેદારો માત્ર અને માત્ર ફોટાઓ પડાવવામાં જ હરખ પદુડા હોવાનું ચર્ચાય છે. અત્રે નોંધનીય છે કે 2022 માં નગરના વિકાસના પ્રશ્નોને લઈને ભાજપ શાસિત નગરપાલિકામાંથી ભાજપના જ નગરસેવકે રાજીનામું ધરી દીધું હતું અને પાલિકાના વહીવટ સામે રોષ પ્રગટ કર્યો હતો.