નહેરુનગર ખાતે શાકભાજી-ફ્રૂટની દુકાન ધરાવતા વેપારીની હત્યા કરનારા 4 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ કમિશનર જી. એસ. મલિકે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં અમદાવાદમાં 1 મહિનામાં 8થી 10 હત્યા થઈ હોવા અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે 60 લાખની વસ્તીમાં પહેલાં વર્ષે 100 એટલે કે અઠવાડિયામાં 2 મર્ડર થતા હતા, અત્યારે 70થી 75 થાય છે. એટલે એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં જ છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 2023ના વર્ષમાં અમદાવાદમાં 97 મર્ડર થયા હતા. જેની સરખામણીમાં 2024 ના વર્ષમાં 73 થયા છે. જે આગળના વર્ષ કરતાં 24 ટકા ઘટયા છે. ભૂતકાળના વર્ષોમાં અમદાવાદમાં દર વર્ષે 100 – 105 – 110 મર્ડર થતા હતા. જે અત્યારે ઘટી ગયા છે. કયારેક કોઈક અઠવાડિયુ એવુ હોય કે તે દિવસોમાં ક્રાઈમ રેટ હાઈ થઈ જતો હોય છે. પરંતુ પોલીસ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. શહેરના ક્રાઇમ રેટ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે હત્યાની ઘટનામાં પોલીસનો સરેરાશ ડિટેકશન દર 99થી 100 ટકા છે. પહેલાં કરતાં હાલમાં તમામ પ્રકારના ક્રાઇમનો રેટ 20થી 25 ટકા ઘટ્યો છે.