તાજેતરમાં જ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (18 નવેમ્બર 2024) જણાવ્યું હતું કે તેમની સરકાર નેશનલ ઇમરજન્સી જાહેર કરશે અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ સામે લશ્કરી દળોનો ઉપયોગ કરશે અને તેઓનો દેશનિકાલ કરશે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વ્યક્તિની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આની પુષ્ટી કરી છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું હતું કે એવા રિપોર્ટ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં નેશનલ ઇમરજન્સી લાગુ કરીને સેના દ્વારા મોટી સંખ્યામાં ઘૂસણખોરોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. જાહેરાત બાદ ટ્રમ્પના સરહદ સુરક્ષા વડા ટોમ હોમને ચેતવણી આપી હતી કે ડેમોક્રેટિક શાસિત રાજ્યો કે જેમણે દેશનિકાલ અભિયાનમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો છે તેઓએ “અમારા રસ્તામાંથી હટી જવું જોઇએ.” ટોમ હોમને કહ્યું કે તેમની સરકાર અગાઉ તે 4 લાખ 25 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરશે. આ એવા આંકડા છે જેમની સામે ગુનાહિત રેકોર્ડ છે. તેમણે એમ પણ કહ્યું કે લાખો યોગ્ય શરણાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સ છે જેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના ધસારાને કારણે પાછળ ધકેલાઇ ગયા છે. ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે તમામ પ્રવાસીઓને કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની તક મળશે. જો તેઓ કાનૂની લડાઈ હારી જશે તો તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે. હોમને એમ પણ કહ્યું હતું કે “કાનૂની પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.”
હોમને સીમા સુરક્ષા સાથેના તેમના અંગત અનુભવો શેર કરતા કહ્યું કે બોર્ડર પેટ્રોલ એજન્ટો હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવાને બદલે ફક્ત “ટ્રાવેલ એજન્ટ” તરીકે કામ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ ગેરકાયદેસર વસાહતીઓને કોઈપણ પ્રતિબંધ વિના યુએસમાં મોકલે છે. તેમને મફત એર ટિકિટ, હોટલ અને આરોગ્ય સંભાળની સુવિધાઓ પૂરી પાડે છે, જ્યારે લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેઓ તેને તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ કરે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના સામૂહિક દેશનિકાલથી અમેરિકાના અર્થતંત્ર પર ઊંડી અસર પડી શકે છે. અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ (AIC) કહે છે કે આ પગલાથી મુખ્ય ઉદ્યોગો, ખાસ કરીને બાંધકામ, કૃષિ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં ગંભીર શ્રમ સંકટ સર્જાઈ શકે છે. રિપોર્ટ અનુસાર, બાંધકામ ઉદ્યોગમાં લગભગ 14 ટકા કામદારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. આ કામદારોને દૂર કરવાથી દેશભરના બાંધકામ પ્રોજેક્ટ્સ પર ગંભીર અસર થઈ શકે છે, જેનાથી ઘણા અમેરિકન નાગરિકોની નોકરીઓ પર અસર થઈ શકે છે. આ સાથે અમેરિકી સરકારને ટેક્સ રેવન્યૂમાં પણ ભારે ઘટાડાનો સામનો કરવો પડશે. 2022માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે ફેડરલ ટેક્સમાં 46.8 બિલિયન ડૉલર અને રાજ્ય અને સ્થાનિક ટેક્સમાં 29.3 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું.