યુરોપના આર્થિક એન્જિન તરીકે ઓળખાતું જર્મની શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યું છે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કામદારોની અછત સર્જાઈ છે. આ જ કારણ છે કે હવે આ યુરોપિયન દેશ વિદેશથી કામદારોને આમંત્રિત કરવા જઈ રહ્યો છે. જર્મન સરકારે 2024માં 10% વધુ પ્રોફેશનલ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ પૂરું થવામાં હજુ દોઢ મહિનો બાકી છે અને સરકાર વિપુલ પ્રમાણમાં વિઝા આપી રહી છે. હાલમાં જર્મનીમાં 13.40 લાખ નોકરીઓ ખાલી છે. આ નોકરીઓ વિવિધ ક્ષેત્રોમાં છે અને જ્યાં લોકો કામ કરવા માટે ઉપલબ્ધ નથી. નિયમો હળવા કર્યા પછી પણ વિદેશી કામદારોને મોટી સંખ્યામાં જર્મની આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નથી. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં જર્મનીની વૃદ્ધિ ધીમી રહી છે. જર્મની દ્વારા આપવામાં આવતા પ્રોફેશનલ વિઝાનો લાભ ભારતીયોને પણ મળવાનો છે. ભારતીયો માટે વિઝાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જર્મનીમાં પણ કેનેડાની જેમ પોઈન્ટ સિસ્ટમ અપનાવવામાં આવી છે, ત્યારબાદ 2024માં 2 લાખ પ્રોફેશનલ વિઝા આપવામાં આવશે. સરકારે કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓના વિઝામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એપ્રેન્ટિસશીપ વિઝાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. વિદેશી અભ્યાસની માન્યતામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. “અમે કુશળ કામદારો અને વ્યાવસાયિકોને આકર્ષિત કરી રહ્યા છીએ જે અમારી અર્થવ્યવસ્થાને વર્ષોથી અત્યંત જરૂરી છે,” નેન્સી ફેગરે જણાવ્યું હતું. નવી પોઈન્ટ સિસ્ટમનો અર્થ એ છે કે યુરોપિયન યુનિયનના રહેવાસી ન હોય તેવા વિદેશી નાગરિકો માટે જર્મનીમાં આવીને કામ કરવું સરળ બનશે. તેઓ તેમના પરિવારને પણ પોતાની સાથે લાવી શકશે. ભારતીયોને પણ આનો ફાયદો થવાનો છે, જેઓ હવે સરળતાથી જર્મનીમાં નોકરી મેળવી શકશે. જોકે, પોઈન્ટ મેળવવા માટે જર્મન ભાષાનું જ્ઞાન, વ્યાવસાયિક અનુભવ અને ઉંમર જેવી શરતો પણ પૂરી કરવી પડશે. જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોકે કહ્યું કે દેશની વસ્તી વૃદ્ધ થઈ રહી છે અને દર વર્ષે 4 લાખ કામદારોની અછત છે. હેલ્થકેર, સર્વિસ અને ટેકનોલોજી સેક્ટરમાં લોકોની સૌથી મોટી અછત છે. છેલ્લા પાંચ વર્ષમાં જર્મનીમાં નોકરીઓની સંખ્યામાં 16 લાખનો વધારો થયો છે, જેમાંથી 89 ટકા વિદેશીઓએ હસ્તગત કરી છે. જો વિદેશી કામદારો જર્મની ન આવ્યા હોત તો 2023માં રોજગારમાં ઘટાડો થયો હોત.