રાજકોટ
રાજકોટ શહેર ભાજપમાં ભંગાણના એંધાણ જોવા મળ્યા છે. સોલિડ વેસ્ટ કલેકશનના રૂપિયા ૧૧૦૦ કરોડના કોન્ટ્રાક્ટને લઈને રાજકોટ શહેર ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેટર નેહલ શુક્લ સામે પ્રદેશ ભાજપ કાર્યવાહી કરે તેમ સુત્રો કહી રહ્યા છે. સોલિડ વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાના ખર્ચે આપવા બાબતે નેહલ શુક્લ વિરોધ કરી ચૂક્યા છે. ભાજપ સંકલનની બેઠકમાં આ મામલે શહેર પ્રમુખ મુકેશ દોશી અને નેહલ શુક્લ સામસામે આવી ગયા હતા. બાદમાં મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને જનરલ બોર્ડમાં પણ કોર્પોરેટર નેહલ શુકલ હાજર રહ્યા નથી. ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પ્રદેશ ભાજપમાં કરી નેહલ શુક્લ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
સેનિટેશન શાખાના ચેરમેન અને કોર્પોરેટર નિલેશ જલુનો પણ લેટર સામે આવ્યો છે. રાજકોટ શહેર ભાજપમાં ભડકાના એંધાણ છે. રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાક્ટર મામલે ભાજપના જ કોર્પોરેટરનો લેટર બોમ્બ સામે આવ્યો છે. વોર્ડ નંબર ૧૪ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ટિપરવાનનાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનપાને ૮૦૦ કરોડનું નુકસાન થવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કંપનીએ અંદરોઅંદર સમજી ભાવ ભર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં ‘તેવું પત્રમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે. સંકલન બેઠકમાં પણ નિલેશ જલુ ગેરહાજર રહ્યા હતા.