ગાંધીનગર
જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં દરરોજ ચારેતરફ કચરો સળગાવાતો જોવા છે. આ પ્રવૃત્તિ સામે કોઈ કાર્યવાહી થતી નથી. બીજીતરફ મહાનગરપાલિકાની સેનિટેશન કમિટીના ચેરમેને રાઉન્ડ દરમિયાન સફાઈ કામદારોને જ કચરો સળગાવતા પકડાં હતા. પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય માટે જોખમી આ પ્રવૃત્તિ બંધ કરાવવા તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.સેનિટેશન કમિટીના ચેરમેન અંકિત બારોટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને હેન્ડ કાર્ટઆપવામાં આવ્યા છે. જેથી તેઓ મળે જે તે સ્થળોએથી કચરો એકત્ર કરીને હૈન્ડકાર્ટમાં ભરીને કચરાની ગાડીમાં ખાલી કરી શકે. પરંતુ સ્થળ વિઝિટ દરમિયાન કેટલાક લોકો કચરો એકત્ર કરીને તે જ સ્થળે સળગાવતા હોવાનું જોવા મળ્યું હતું.સેક્ટર-૨૭માં ગાર્ડનની પાછળ પોલીસ લાઈનમાં કામ કરતા સફાઈ કામદારો કચરો સળગાવતા હતા. જેનો ધુમાડો બાજુમાં આવેલા ગાર્ડનમાં જતો હતો. આ બગીચામાં સિનિયર સિટીઝન ચાલવા માટે આવતા હોય છે. તેમના સ્વાસ્થ્યને ધુમાડાને કારણે નુકસાન થઇ શકે છે સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. શહેરમાં વિવિધ સ્થળોએ જાહેરમાં કચરો સળગાવવાની પ્રવૃત્તિ થતી હોય છે. તે ગંભીર બાબત છે. પર્યાવરણને નુકસાન અને નાગરિકોના જાહેર આરોગ્ય સાથે ચેડાં થાય તે ચલાવી શકાય નહીં. આથી કચરો બાળતા ઇસમો સામે કાર્યવાહી થવી જરૂરી છે. જેના માટે યોગ્ય ટીમ બનાવીને ડ્રાઇવ ચલાવવી જોઈએ. આ ઉપરાંત અંક્તિ બારોટ દ્વારા વિવિધ શોપીંગ સેન્ટરોમાં સફાઈ મામલે રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં દુકાન બહાર ડસ્ટબિન નહીં રાખતા અને જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.