આજે (23 નવેમ્બર ) મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે અનેક રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની વાવ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થયો હતો. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 162 પર પહોંચી ગયું છે. નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાની બેઠક પર કોંગ્રસના એકમાત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. આ જીત પછી ગેનીબેને વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર ફરી પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં આજે પેટા ચૂંટણીમાં પરિણામ જાહેર થયું હતું. આજે વિધાનસભા પેટાચૂંટણીમાં જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીતની સાથે જ ભાજપનું ગુજરાત વિધાનસભામાં સખ્યાબળ વધીને ઐતિહાસિક 162 પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકસભાની ચૂંટણી સમયે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.
આ પાંચ બેઠકોમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી, ખંભાત બેઠક પર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક પર સી.જે. ચાવડા અને વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામુ આપ્યું હતું. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સી.જે. ચાવડા, ચિરાગ પટેલ રાજીનામાં આપ્યા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. આજે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2500 મતથી ભવ્ય જીત થઈ હતી. સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ તરીકે માવજી પટેલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. આ સાથે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ઐતિહાસિક 162 પહોંચી ગયું છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે 182માંથી રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી હતી. ત્યારબાદ માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક અને હવે વાવ બેઠક જીતી છે. કોગ્રેસનું સખ્યાબળ 12 છે જ્યારે આમ આદમી પાર્ટી પાસે 4 બેઠક છે. અપક્ષ 2 અને સમાજવાદી પાર્ટી પાસે એક બેઠક છે. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી બાકી છે કેમ કે આ બેઠકનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.