નવી દિલ્હી
આઠમા પગાર પંચ (8th Pay Commission)ને લઈને બજારમાં ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. આ અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. દરેક લોકો 8મા પગાર પંચની વાતો કરી રહ્યા છે, કેન્દ્રીય કર્મચારીઓ તો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, 8મું પગાર પંચ લાગુ થતાં કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર (Minimum Basic Salary)માં 186 ટકાનો વધારો થઈ શકે છે. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ દર મહિને લઘુત્તમ બેઝિક પગાર (Minimum Basic Salary) 18,000 રૂપિયા મળે છે, જ્યારે છઠ્ઠા પગાર પંચ હેઠળ 7,000 રૂપિયા લઘુત્તમ બેઝિક પગાર આપવામાં આવતો હતો.
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે, તેમને ઓછામાં ઓછું 2.86 ફિટમેન્ટ ફેક્ટર મળવાની અપેક્ષા છે. આ 7મા પગાર પંચના 2.57 ફિટમેન્ટ ફેક્ટરથી 29 બેસિસ પોઈન્ટ વધારે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જો સરકાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે, તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર (Minimum Wage) 186 ટકા વધીને 51,480 રૂપિયા થઈ જશે, જે હાલમાં 18,000 રૂપિયા છે. 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ 186 ટકાનો વધારો થવાની ધારણા છે, જેના કારણે વર્તમાન પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ જશે. જોકે, નવા પગાર પંચની રચનાની અપેક્ષિત તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી બજેટ 2025-26માં તેની જાહેરાત થઈ શકે છે. જોકે, ગત બજેટ 2024-25માં પણ કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ સાથે કેબિનેટ સચિવ અને નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો હતો.