શેર બજારમાં 20થી 200 ટકા પ્રોફિટ કમાઈ આપવાની ખાતરી સાથે લાલચ આપી ગાંધીનગરના વેપારી સાથે રૂ.59.33 લાખની ઠગાઇ થઇ હોવાનો બનાવ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વોટર પ્યોરિફાયરનો વ્યવસાય કરતા અને શહેરના સેકટર-5બીમાં રહેતા પ્રવિણકુમાર ગાંધર્વ 12-09-24ના રોજ વોટ્સએપ ગ્રૂપ હરિકેન બુલસ્ટોક શેરિંગ ગ્રૂપમાં એડ થયા બાદ સુરેન્દ્રકુમાર દુબેના નામના વ્યક્તિએ શેર માર્કેટની ટિપ્સ આપવાની વાત કરી હતી. સુરેન્દ્રની લિંક પર વોટિંગ કર્યા બાદ તેણે હરિકેન બૂલસ્ટોક શેરિંગ 30 નામના ગ્રૂપની લિંક વોટ્સએપ પર મોકલી હતી.
ટિપ્સ પ્રમાણે રોકાણથી 20થી 200 ટકા પ્રોફિટની અને નુકસાન જાય તો ભરપાઈ કરવાની ખાતરી પણ આપી હતી. તેમણે ટ્રેડિંગ શરૂ કર્યા બાદ અન્ય વોટ્સએપ ગ્રૂપમાં જોડીને વધારે રોકાણ કરાવાયું હતું. શેરબજારમાં રોકાણ બદલ ચુકવણી માટે ટેલિગ્રામ મારફતે લિન્ક અપાતી હતી. જેના થકી વિવિધ બેંક એકાઉન્ડમાં નાણાં જમા કરાવાયા હતા. 4-10-24થી 7-11-24 સુધીમાં પ્રવિણભાઈએ પોતાના બેંક ખાતાઓમાંથી રૂ.59.33 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તેની સામે પ્રોફિટ સાથે ટ્રેડિંગ એકાઉન્ટમા કુલ રૂ.ત્રણ કરોડથી વધુનું બેલેન્સ બતાવતું હતું. જેથી તેમણે તા.11ના રોજ એક કરોડ રૂપિયા ઉપાડવા રીક્વેસ્ટ નાખતા અચાનક ટ્રેડિંગ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતું. જેથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.