મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ હવે ભારતીય રાજકારણમાં ગેમ ચેન્જર્સ બની રહી છે. મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવાની યોજના ભારતીય રાજનીતિમાં વોટ મેળવવાની એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ મેથડ બની ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યોજનાની સફળતા બાદ આ જ વાર્તાનું મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ રિપીટ થઈ છે.
થોડા જ વર્ષો પહેલા સુધી, રાજકીય વિશ્લેષકો પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઓછા મતદાનની ટકાવારી અંગે ટીકા કરતા હતા. આ સ્થિતિ ત્યારે છે જયારે મતદાર યાદીમાં મહિલાઓની હાજરી લગભગ અડધી છે. આ અંતરને દૂર કરવા માટે, શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકારે દેશમાં પ્રથમ વખત એવી યોજના શરૂ કરી હતી જેમાં છોકરીઓ અને મહિલાઓ પર કેન્દ્રિત હતી. આ યોજનાએ મધ્યપ્રદેશનું રાજકીય લેન્ડસ્કેપ બદલી નાખ્યું. મધ્યપ્રદેશની ચૂંટણીના થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવેલી લાડલી બહેના યોજના ગેમ ચેન્જર સાબિત થઈ. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો લાભ આપતી આ યોજનાએ મહિલા મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે પ્રેરિત કર્યા. જેના પરિણામે ભાજપને જંગી જીત મળી અને આ વ્યૂહરચના ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા સાબિત થઈ.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ઘણી રાજ્ય સરકારોએ આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેના કેન્દ્રમાં મહિલાઓ છે. આમાં શિક્ષણ અને સ્વાસ્થ્યમાં મહિલાઓની સુધારણા માટે સીધા કેશ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે મહિલાઓએ આ યોજનાઓને સ્વીકારી અને બદલામાં સરકારોને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. એવા રાજ્યો કે જ્યાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યાંની સરકારોએ પણ આવી જ યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓના કેન્દ્રમાં મહિલાઓને સીધો લાભ આપવાનો સમાવેશ થાય છે. જો કે વિવેચકો કેટલીકવાર આ પગલાંને લોકવાદી ગણાવે છે, પરંતુ આ પગલાંઓથી જે રાજકીય લાભ મળે છે તેને નકારી શકાય નહીં.
મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધને મહિલા કેન્દ્રિત પહેલને પ્રાથમિકતા આપી. સરકારે મહિલા સશક્તિકરણ યોજનાનો વિસ્તાર કર્યો, જેમાં મહિલાઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. લાડકી બહેન યોજના આ સરકારની ટ્રેડ માર્ક યોજના બની ગઈ. આ યોજના હેઠળ સરકાર દરેક પરિવારની મહિલા વડાને દર મહિને 1500 રૂપિયા આપી રહી છે. ચૂંટણી પહેલા, સરકારે વ્યૂહાત્મક પગલું ભર્યું અને આ રકમ વધારીને 2500 રૂપિયા કરવાનું વચન આપ્યું. શિંદે સરકારે વચન આપ્યું કે જો તેઓ ફરીથી જીતીને આવશે તો પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. મહિલા મતદાતાઓ પર શિંદે સરકારે જે ધ્યાન આપ્યું, તે રંગ લાવ્યું. આ ચૂંટણીમાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા નીકળી હતી અને ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મહિલાઓએ મહાયુતિ સરકારને જબરજસ્ત મતદાન કર્યું. આ જ કારણ હતું કે જે બેઠકો પર મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે ગળાકાપ સ્પર્ધા હતી, ત્યાં પણ મહિલા મતદારોના આધારે મહાયુતિએ બમ્પર સફળતા મેળવી.
મહારાષ્ટ્રની સફળતા ઝારખંડમાં પણ જોવા મળી. અહીં પણ મહિલા કેન્દ્રિત યોજનાઓની અસર જોવા મળી. મૈયા સન્માન યોજનાએ ઝારખંડના રાજકારણમાં હલચલ મચાવી દીધી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર યોગ્ય મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપી રહી હતી. હેમંત સરકાર આ યોજનાના 4 હપ્તાઓ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર પણ કરી ચુકી છે. આ ઉપરાંત હેમંત સરકારે શાળાએ જતી છોકરીઓને મફત સાયકલ, સિંગલ મધરને રોકડ સહાય અને બેરોજગાર મહિલાઓને રોકડ સહાય આપવાની યોજનાઓ પણ શરૂ કરી છે. મૈયા સન્માન યોજના હેમંત સરકારની પ્રતિષ્ઠા અને રાજકીય નિષ્ઠા વધારવામાં સફળ રહી. આદિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાઓ વિશે જબરદસ્ત ચર્ચા થઈ. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે હેમંત સરકારને આ યોજનાઓથી ખૂબ ફાયદો થયો અને JMM વિશાળ બહુમતી સાથે પુનરાગમન કરવામાં સફળ રહી.
મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાઓમાં મોટાભાગે સીધા રોકડ ટ્રાન્સફર અથવા લાભો સામેલ હોય છે. જેના કારણે લાભાર્થીને તરત જ અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના લાભ મળે છે. તેઓને વચેટિયાઓથી મુક્તિ મળે છે અને તેઓ સશક્ત અનુભવે છે. આ લાભના બદલામાં તેઓ સંબંધિત પક્ષને મત આપતાં ખચકાતા નથી.
મહિલાઓ, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, કુટુંબ અને સમુદાય નિર્ણય લેવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે, જે આડકતરી રીતે ઘણા મતોને પ્રભાવિત કરે છે. એક મહિલા જયારે જૂથમાં હોય છે અને આ યોજનાઓની ચર્ચા કરે છે, ત્યારે અન્ય મહિલાઓ પણ તેનાથી પ્રભાવિત થાય છે.