અમદાવાદ
એડમિશન કમિટી દ્વારા નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં ખાલી પડેલી સરકારી કોલેજોની બેઠકો માટે પાંચમા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારના રોજ પ્રવેશની ફાળવણી કરાતા નવા 251 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા. પાંચમા રાઉન્ડ માટે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરી હતી. આમ, નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના પાંચ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ 29 હજાર જેટલી બેઠકો ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમની 896 કોલેજોમાં 42 હજાર કરતા વધુ બેઠકો છે. જેમાંથી પાંચ રાઉન્ડના અંતે 13 હજારથી વધુ બેઠકો ભરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પાંચમો રાઉન્ડ માત્ર સરકારી સંસ્થાઓ માટે યોજાયો હતો. બીએસસી નર્સિંગ, બી.ફિઝિયોથેરાપી, જી.એન.એમ., એ.એન.એમ., બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, બી. ઓડિયોલોજી કોર્ષ ચલાવતી સરકારી સંસ્થાઓ માટે પાંચમો રાઉન્ડ યોજાયો હતો. પાંચમા રાઉન્ડની કાર્યવાહીમાં ચોઈસ ફિલિંગની તક અપાઈ હતી. જેમાં 3028 જેટલા વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કરી હતી. ચોઈસ ફિલિંગ બાદ સોમવારે બેઠકોની ફાળવણી કરાઇ હતી. જેમાં 251 વિદ્યાર્થીઓને નવા પ્રવેશ તરીકે બેઠકો ફાળવવામાં આવી હતી. પાંચમા રાઉન્ડની ફાળવણી બાદ ઓનલાઈન ફીની ચૂકવણી માટે 27 નવેમ્બર સુધીની તક આપવામાં આવી છે. નર્સિંગ અને પેરામેડિકલની રાજ્યમાં 896 સંસ્થા છે. જેમાં 42489 જેટલી બેઠકો આવેલી છે. ચાર રાઉન્ડના અંતે 13363 બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો. જ્યારે 29126 બેઠકો ખાલી પડી હતી. પાંચમા રાઉન્ડમાં વધુ 251 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવતા 13614 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે 28875 જેટલી બેઠકો ખાલી પડી છે. આમ, પાંચ રાઉન્ડની કાર્યવાહીના અંતે પણ નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં 29 હજાર જેટલી બેઠકો ખાલી પડી હોવાનું સામે આવ્યું છે.