રાજકોટ
રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરીયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. જૂનાગઢ એસઆરપી રિજીયન PI સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ PI પાદરીયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું એક પ્રસંગમાં કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ગયો હતો. જ્યાં PI સંજય પાદરીયા પણ હાજર હતો. હું ત્યાં પહોંચ્યો એટલે PI પાદરીયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદ્દાર છો તે સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. આવું કહી મારા ઉપર હુમલો કર્યો હતો અને હું પડી જતા મને ફરી ઢીકાપાટુનો માર માર્યો હતો.