વલસાડ
જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં કોલેજીયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે. દસ દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે. આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પારડીમાં ગુનો આચાર્યા બાદ પણ આ નરાધમે ટ્રેનમાં વધુ ત્રણ હત્યાઓ સાથે અત્યાર સુધી 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી હતી. આ દરમિયાન તેની સાથે કંઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું ખુલાસો થયો હતો. આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. આરોપીને શોધવા વલસાડ જિલ્લાની એલસીબી, એસઓજી, પારડી પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 10 થી વધુ ટીમો આરોપી સુધી પહોંચવા તપાસ કરી રહી હતી.
જોકે આખરે દસ દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી અને વાપી રેલ્વે સ્ટેશનથી આરોપીની અટકાયત કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આરોપી રાહુલસિંગ જાટ મૂળ હરિયાણાનો છે. જે ઘરથી દૂર રહી અને રખડતું ભટકતું જીવન જીવતો હતો. આ આરોપી નશાનો આદી હતો. અગાઉ પણ રાહુલસિંગના નામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બનાવના દિવસે આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી પીડિતાનો રેલ્વે સ્ટેશનથી પીછો કર્યો હતો. ત્યારબાદ બનાવવાળી જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની ગળું દબાવી અને હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.કેસની તપાસ કરતી પોલીસની ટીમોને ઘટના સ્થળેથી એક બેગ મળી હતી. જેમાં કેટલાક કપડાં હતા. આ કપડાં આરોપીના હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન વાપી રેલ્વે સ્ટેશનથી શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેના આધારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. અસંખ્ય લોકોની પૂછપરછ પણ કરી હતી. આખરે આરોપી પોલીસના હાથે લાગ્યો છે.
આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બહાર આવ્યું કે, આ ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી મુખ્યત્વે ટ્રેનમાં જ ફરતો રહેતો હતો. જ્યાં ટ્રેનમાં મોકો મળે ત્યાં કિંમતી સામાનની ચોરી કરતો હતો. આ આરોપી નશાનો આદી હતો. આ દરમિયાન તે અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, મોતીવાડામાં ગુનો આચાર્યા બાદ પણ આરોપીએ રેપ અને વધુ બે હત્યાઓ કરી હતી. છેલ્લા 25 દિવસમાં પાંચ હત્યાઓ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.આ શાતિર આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધીના રાજ્યોમાં તપાસ માટે ટીમો દોડાવી હતી. પોલીસે આરોપી સુધી પહોંચવા 2000 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ કેસમાં એસપી, ડીવાયએસપી, પીઆઇ, પી.એસ.આઇ. સહિત 300 થી વધુ પોલીસકર્મીઓ અને 100 થી વધુ હોમગાર્ડ અને રેલ્વે પોલીસ મળીને 400 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ કેસની તપાસમાં જોડાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપી મોટેભાગે ટ્રેનમાં જ ગુનાઓને આચરતો હતો. મહિલાઓને અને યુવતીઓને ટાર્ગેટ કરી દુષ્કર્મ કરી હત્યા કરતો હોવાનું પણ ખુલાસો થયો છે. આમ વલસાડ જિલ્લા પોલીસે જ અન્ય રાજ્યોની પોલીસને આરોપીએ કરેલી હત્યાની કબુલાતની વિગતો આપી છે.સીરીયલ કિલર રાહુલસિંહ જાટની અત્યાર સુધીની તપાસમાં આરોપીએ છેલ્લા એક મહિનામાં આચરેલા ગુનાઓની કબૂલાત કરી છે. અત્યાર સુધી આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ, હત્યા જેવા 13 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે પોલીસની આગામી તપાસમાં હજુ પણ આ શાતિર આરોપીએ આચરેલા અનેક સનસનીખેજ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.