અમદાવાદ
એસીબીએ અમદાવાદમાં 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, રાકેશ સુરેન્દ્રભાઇ પરીખ (પ્રજાજન)( ધંધો: ડેકોરેશન ઉં.વ. 51, રહે- ઓલ્ડ ઘનશ્યામ ભુવન સિંધી માર્કેટની પાછળ, મણીનગર, અમદાવાદ)ને લાંચ લેતા ઝડપી લીધા છે. આરોપીએ મણિનગરમાં નાથાલાલ ઝઘડીયા બ્રીજ નીચે, લકી હોટલ સામે, જાહેર રોડ પર જ લાંચ લીધી હતી અને એસીબીએ ત્યારે જ ટ્રેપ કરી હતી.
થોડા સમય પહેલા ફરીયાદી અને તેના મિત્ર દારૂની બોટલ સાથે પકડાતા તેઓની વિરુધ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જે કામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના બે પોલીસ કર્મચારીઓએ ફરીયાદી તથા તેના મિત્રને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, તેઓને માર નહીં મારવા, મોબાઇલ જમા નહીં લેવા અને તાત્કાલીક જામીન આપવા અઢી લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તેમને સમય માગ્યો હતો અને હવે રકજકને અંતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કિ કરાયું હતુ, જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ, પોલીસકર્મી વતી લાંચ લેતા રાકેશ નામના આરોપીને એસીબીએ ઝડપી પાડયો છે. લાંચિયા પોલીસકર્મીઓને લઇને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.