ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂના જથ્થા મળવા, અકસ્માત હોય, દુષ્કર્મ હોય કે અન્ય કોઈ પણ ગુનાઓ હોય, સતત તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નબીરાએ કરેલ અકસ્માત બાદ ગાંધીનગરમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બધા અધિકારીઓનો ગૃહ રાજ્યમંત્રીએ ઉધડો લીધો હતો. ગાંધીનગરમાં યોજાયેલ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એટલી હદે ગુસ્સે ભરાયા કે અધિકારીઓનો જબરો ઉધડો લીધો હતો. સાથે જ પોલીસના આ ઉચ્ચ અધિકારીઓ પાસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સવાલોના અધિકારીઓ પાસે જવાબ જ નહોતા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે, તમારા કામને કારણે સરકાર પર કોઈ જ પ્રકારની આંગળી ન ચીંધવું જોઈએ. પહેલી વખત હર્ષ સંઘવીએ પોલીસ વિભાગની બેદરકારીને કારણે આજે પોતાના ગુસ્સા પર કાબુ ગુમાવ્યો હતો. અને અધિકારીઓને સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ બધા ઉચ્ચ અધિકારીઓને આજે ખખડાવ્યા હતા. જે બાદ ડીજીપી વિકાસ સહાયે અધિકારીઓને ચેતવણી આપી હતી અને કહ્યું કે, પોલીસ દ્વારા પોતાની ફરજમાં લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહિ. અને વિભાગમાં રહીને જે કંઈ પણ ખોટા કામ કરવામાં આવે છે તે બધું પણ બંધ કરી દેજો. બાકી બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.