બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપેક્ષા રાખીએ છીએ : ઇસ્કોન બેંગ્લોરના પ્રમુખ મધુ પંડિત દાસા
અમદાવાદ
છેલ્લા કેટલાક મહિનામાં, બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલા થયા છે. બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રવક્તા અને અગ્રણી ભક્ત નેતા શ્રી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ઢાકા પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી.મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને સનાતન ધર્મના અનુયાયીઓને ગંભીર ખતરો છે. કટ્ટરપંથી ટોળાએ તેમના હુમલા દરમિયાન ઘણા લોકોની હત્યા પણ કરી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી જૂથો પર આવા હુમલા થતા રહ્યા છે. આ રોકવાની જરૂર છે.
શાંતિપૂર્ણ, કાયદાનું પાલન કરતા સમુદાયો પરના આ લક્ષિત હુમલાઓએ માનવતાની સામૂહિક ચેતનાને હચમચાવી દીધી છે. આ નિર્બળ લોકો માટે રક્ષણની માંગ કરવાના સાધન તરીકે, ઇસ્કોન ચળવળે સમગ્ર વિશ્વમાં સંકીર્તન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વૈશ્વિક સંકીર્તન કાર્યક્રમ એ વૈશ્વિક હિંદુ સમુદાયની પીડા અને વ્યથાનું શાંતિપૂર્ણ પ્રદર્શન છે, જે બાંગ્લાદેશના હિંદુઓ સાથે એકતામાં ઊભું છે. અમે બાંગ્લાદેશ કે ત્યાંના કોઈ ધાર્મિક સમુદાયના વિરોધમાં નથી. અમે આ કાર્યક્રમ દ્વારા બાંગ્લાદેશમાં તમામ લઘુમતીઓની સુરક્ષાની જ માંગ કરી રહ્યા છીએ.હરે કૃષ્ણ મંદિરે પણ બાંગ્લાદેશના અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓ સાથે એકતા વ્યક્ત કરવા શાંતિપૂર્ણ સંકીર્તનનું આયોજન કર્યું હતું.
ગ્લોબલ હરે ક્રિષ્ના ચળવળના અધ્યક્ષ અને માર્ગદર્શક અને ઇસ્કોન બેંગ્લોરના પ્રમુખ મધુ પંડિત દાસાએ જણાવ્યું હતું કે, “અમને બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ચિંતાજનક અહેવાલો મળ્યા છે. અમે પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છીએ અને બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.અમે ભારત સરકારને પણ અમારા પડોશી દેશો સાથે કામ કરવા અને પ્રદેશમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા વિનંતી કરીએ છીએ. પીડિતો સાથે અમારો ટેકો અને એકતા વ્યક્ત કરવા અને તેમની સુખાકારી માટે પ્રાર્થના કરવા માટે અમે આજે અમારા મંદિરમાં સંકીર્તન કર્યું. બાંગ્લાદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે શ્રી રાધા કૃષ્ણચંદ્રની સુરક્ષા અને આશીર્વાદ મેળવવા અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.”