ગાડીઓને શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે લીલીઝંડી આપી પ્રોજેક્ટની શરૂઆત કરાવી
1 જાન્યુઆરી 2025થી ઓટોરિક્ષાઓમાં મીટર ફરજીયાત નહિ હોય તેને પહેલા દંડ કરવામાં આવશે અને બાદમાં પણ મીટર નહી લગાવેલુ હોય તો પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરશે : પોલીસ કમિશનર
અમદાવાદ
અત્યાર સુધીમાં ટ્રાફિકનાં નિયમો ભંગ કરનારા વાહન ચાલકોને રોડ પરનાં કેમેરા, સ્પીડ ગન, મોબાઈલ એપ્લિકેશન થકી અને રોડ પરની ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ આપવામાં આવતા હતા, તેવામાં હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ AI (આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સ) આધારિત ડેશકેમ દ્વારા પણ ચલણ આપવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસની 29 ગાડીઓમાં આ ડેશકેમ લગાવવામાં આવ્યા છે, તેમજ 31 જેટલા કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે, જે ગાડીઓને શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે લીલીઝંડી આપી પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર કેદ થશે, જે કેમેરાની ફીડ કંટ્રોલરૂમમાં લાઈવ મળશે અને કંટ્રોલરૂમ નિયમ ભંગ કરનાર ચાલકને ચલણ મોકલશે.પ્રકારનો પ્રોજેક્ટ અને આવી ટેક્નોલોજીનો ઉપયોગ દુબઈ દેશમાં કરવામાં આવે છે. AI ડેશકેમથી કરવામાં આવેલા વાયોલેશનનું રેકોર્ડિંગ નયન (પ્રોજેક્ટ બનાવનાર કંપની) નાં ક્લાઉડ સર્વર પર જશે અને ત્યાંથી વાયોલેશનનાં ફોટો એન.આઈ.સી નાં સર્વર પર જશે. બાદમાં ટ્રાફિક સીસીટીવી કંટ્રોલરૂમ ખાતે એક વાર ફરીથી ઓપરેટર દ્વારા વાયોલેશનની ખરાઈ કરી વન નેશન, વન ચલણ હેઠળ ચલણ જનરેટ થશે અને વાહન ચાલકને મેસેજ દ્વારા આ અંગેની જાણ થશે.આ ડેશકેમમાં શરૂઆતનાં તબક્કામાં રોંગ સાઈડ, 3 સવારી અને વિનાં હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ચલણ આપવામાં આવશે. ડેશકેમ લાગેલા પોલીસની ગાડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને 31 કેમેરા જે ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે, તે કેમેરા લઈને ટ્રાફિક પોલીસ અલગ અલગ સ્થળો પર હાજર રહેશે.આ પ્રોજેક્ટ શરૂ થતા પોલીસ અને વાહનચાલકો વચ્ચેનું ધર્ષણ ઓછુ થશે અને ટ્રાફિકનાં નિયમો ન પાળતા વાહન ચાલકો પણ દંડાશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરનાં તમામ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે અપિલ કરી છે. નિયમો પાળવાથી વાહન ચાલકોને દંડમાંથી મુક્તિ મળશે અને અક્સમાત જેવા બનાવોમાં મોતને આંકડો ઘટી શકશે.ટ્રાફિક પોલીસે આ ડેશકેમ કેમેરા એસજી 1 અને એસજી 2 ટ્રાફિક પોલીસની ઈન્ટરસેપ્ટર ગાડીઓમાં પ્રાયોગીક ધોરણે લગાવી હેલ્મેટનાં 794, જોખમી રીતે વાહન ચલાવતા 21, ત્રણ સવારીમાં ટુ વ્હીલર ચલાવવાનાં 14 અને સીટબેલ્ટ વિના ગાડી ચલાવનારા 4 ચાલકોને ચલણ આપ્યા છે. આ ડેશકેમ થતી આવનારા સમયમાં નો પાર્કિગ સહિતનાં ટ્રાફિકનાં અન્ય નિયમો ભંગ કરનારને પણ ચલણ આપવાનું શરૂ કરાશે.
શહેર પોલીસને સતત ફરિયાદો મળતી હતી કે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી નિયમ કરતા વધુ ભાડુ વસૂલ કરે છે, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આવતી 1 જાન્યુઆરી 2025થી શહેરમાં તમામ ઓટોરિક્ષાઓમાં મીટર ફરજીયાત રાખવુ પડશે, જે ઓટોરિક્ષામાં મીટર નહી હોય તેની સામે કડક કાર્યવાહી શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે.મહત્વનું છે કે શહેરમાં ઓટોરિક્ષા ચાલકોને રિક્ષામાં મીટર રાખવુ ફરજિયાત છે છતાંય ઓટોરિક્ષા ચાલકો મીટર કાઢીને પોતાની ઈચ્છામુજબની ભાડુ વાહનચાલકો પાસેથી વસૂલ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તેવામાં પોલીસ કમિશનરે આદેશ કર્યો છે કે જે રિક્ષામાં મીટર નહિ હોય તેને પહેલા દંડ કરવામાં આવશે અને બાદમાં પણ મીટર નહી લગાવેલુ હોય તો પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરશે.