લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સનાતન જાગરણ મંચ, ગાંધીનગરના ઉપક્રમે આજે સત્યાગ્રહ છાવણી સેક્ટર-૦૬ ખાતે ‘જાહેર ધરણા પ્રદર્શન કાર્યક્રમ’ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ વિરોધ દર્શાવતા વિવિધ બેનરો સાથે વિશાળ રેલી યોજીને કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપીને કેન્દ્ર સરકારને આ લાગણી પહોંચાડવા સૌ સંતો, હિન્દુ ભાઈ -બહેનોએ અનુરોધ કર્યો હતો.
મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત સહ મંત્રી શ્રી મુકેશભાઈ ગૌરે કહ્યું હતું કે, ભારતનો સંપૂર્ણ સનાતની ભાઈ હિન્દુ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઉભો છે, તેમની સાથે જ છે.તેમની પીડા આપણી પીડા છે. આ દેશવ્યાપી વિરોધનો આપણી કેન્દ્રની સરકાર ચોક્કસ નોંધ લઈને બાંગ્લાદેશ સરકાર પર હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરીને તેમને સલામતી ઉપલબ્ધ કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તેમને સનાતન હિન્દુ ધર્મના ભાઈ -બહેનો વધુ સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. કોલવડા રામજી મંદિરના મહંત શ્રી અવધેશ દાસજી,પથમેડા ગૌશાળાના થાણા પતિ પૂજ્ય મહંત શ્રી રવીન્દ્રનંદ સરસ્વતી મહારાજ,ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી સ્વરૂપપુરી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સહ પ્રચાર મંત્રી શ્રી યોગેશદાસજી મહારાજ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ સહિત વિવિધ સંતો દ્વારા હિન્દુ જાગરણ અને બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં એક થવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર અને ગ્રામીણ વિસ્તારના પૂજ્ય સંતો, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી ભાવનાબેન દવે સહિત વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો તેમજ સમાજમાંથી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હિન્દુ પર થઈ રહેલા અત્યાચારનો
સખત વિરોધ નોંધાવ્યો હતો.