રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવ્યા બાદ પોલીસની કડવાણી ચખાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જે નિવેદનમાં હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જરૂર પડે ત્યારે પોલીસ દ્વારા દંડાનો ઉપયોગ કરવો જ જોઈએ. આરોપી જે ભાષામાં સમજતો હોય તેને તે જ ભાષામાં પોલીસે સમજ આપવી જોઈએ. તેમજ વરઘોડો તો નીકળવો જ જોઈએ અને તેમાં ગુનેગારના પગ વાંકાચૂકા તરીકે ચાલવા જ જોઈએ.
આ પ્રકારનું નિવેદન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ ઉપર એક રીક્ષા ચાલકનો આતંક સામે આવ્યો હતો. રસ્તા પરથી પસાર થવા બાબતે રીક્ષા ચાલક દ્વારા 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. દીપાંકરને માર મારીને રીક્ષા ચાલક દ્વારા તેને છરીનો ઘા પણ ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે દીપાંકર બંગાળી દ્વારા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 118(2), 115(2), 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાકીરખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે શનિવારના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લઈ જતા સમયે આરોપીના પગ ધ્રુજતા નજરે પડ્યા હતા. તો સાથે જ આરોપીનો વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આરોપીનો વરઘોડો કાઢવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ સાકીરખાન પઠાણ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. ત્યારે આરોપીનો વરઘોડો કાઢવામાં આવતા સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીને વખાણી હતી.