ભાવનગરના રેન્જ આઈ.જી ગૌતમ પરમારે લીવ રિઝર્વમાં રહેલા ભરતનગર પોલીસ સ્ટેશનના PI આર.એમ ઠાકોરને સસ્પેન્ડ કરી દીધા છે. એક કેસની તપાસમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભરતનગર વિસ્તારમાં આવેલ કિશ્વા લાઇબ્રેરી કેમ્પસ અને હોસ્ટેલમાંની બહાર દાદાગીરીનો બનાવ બન્યો હતો, જેમાં બ્રિજરાજસિંહ ચુડાસમા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઇસમોએ હોસ્ટેલ ખાલી કરી દેવાનું કહીને સ્ટુડન્ટોને ધમકાવી હોસ્ટેલ બહાર ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ ઘટનાના CCTV વિડીયો પણ સામે આવ્યા હતા.
સમગ્ર મામલે આરોપી સામેની કાર્યવાહીમાં કુણું વલણ દાખવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આરોપીઓને પોલીસ સ્ટેશનના લોકઅપની બદલે બહાર બેસાડવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ઘટનામાં પોલીસની બેદરકારી બદલ અગાઉ એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરજ બજાવતા PI આર.એમ ઠાકોરને ને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ PI આર.એમ ઠાકોરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.