ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઇવે પર વોલ્વો બસ સળગીને ખાખ

Spread the love

ગાંધીનગર,

ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે રોડ પર જીએસઆરટીસીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક શોર્ટ સર્કિટનાં લીધે આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતામાં ગણતરીની મિનિટોમાં બસ આગની ઝપેટમાં ભડભડ સળગીને ખાખ થઈ ગઈ હતી. જો કે બસમાં શોર્ટ સર્કિટ થયાનો અંદાજો આવી જતાં ડ્રાઇવર કંડકટરે સમયસૂચકતા વાપરીને મુસાફરોને તાકીદે નીચે ઉતારી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે ઉપર ગઈકાલે રાતે બસમાં લાગેલી ભીષણ આગમાં મોટી જાનહાનિ સર્જાતા રહી ગઈ છે. જીએસઆરટીસીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસ મહેસાણા હાઇવે પરથી પસાર થઇ રહી હતી.

દરમ્યાન શેરથા કસ્તુરી નગરની સામે અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેનાં પગલે બસના ડ્રાઈવર સુખુભા રાણાએ બસને તાત્કાલિક ઉભી રાખી દીધી હતી. બસમાં શોર્ટ સર્કિટ થવાનો અંદાજો આવી જતાં બસના તમામ મુસાફરોને નીચે ઉતારી દઈ સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં બસના વચ્ચેના ભાગે આગ લાગી હતી. બાદમાં જોતજોતામાં આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બસને ઝપેટમાં લઈ લીધી હતી. દ્રશ્ય જોઈને મુસાફરો ઉપરાંત રાહદારી વાહન ચાલકો પણ ફફડી ઉઠયા હતા. દરમ્યાન હાઇવે પેટ્રોલીંગની ગાડીએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગમાં બસ સળગીને ખાખ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *