લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીએ બે રાત પહેલાં લીંબડી સબ જેલમાં આકસ્મિક ચેકિંગ કર્યું ત્યારે જેલમાં ફરજ બજાવતા સાયલા પોલીસ મથકના નટવરભાઈ લાલજીભાઈ, લીંબડી પોલીસ મથકના હરપાલસિંહ સુખદેવસિંહ, ચુડા પોલીસ મથકના વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ અને વિરેન્દ્રસિંહ ગનુભા ફરજ ઉપર હાજર મળ્યા નહોતા. જિલ્લા પોલીસ વડા ડો. ગિરિશ પંડ્યાએ ફરજ પર બેદરકારી દાખવનાર ચારેય પોલીસ કર્મોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગે લીંબડી ડીવાયએસપી વિમલ રબારીએ જણાવ્યું કે ચારેય પોલીસ કર્મીઓના નિવેદન લેવાયા હતા.
જયારે બીજી ઘટનામાં સુરેન્દ્રનગર રાજકોટ વિભાગ કચેરી અધિક્ષક આર.કે.ચુડાસમા દ્વારા રેન્જ હેઠળ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં વહીવટી કરણોસર જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 2 પોલીસ કર્મચારીની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરના બળવંતસિંહ મનુભાઇ ચૌહાણ, આર્મ લોકરક્ષક સુરેન્દ્રનગર પ્રશાંતભાઇ ખીમાભાઇ સરાની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. આથી આ કર્મચારીઓને તાત્કાલિક બદલીવાળી જગ્યાએ હાજર થવા છૂટા કરવા તેમના અધિકારીઓને સૂચના આપી તે અંગે જાણ કરવા સૂચના આપવામાં આવી છે.