તા. ૨૫/૧૨/૨૦૨૪ના રોજ દેશના વિવિધ જીલ્લા અને શહેર સમિતિઓ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના સન્માન માટે તેમના ફોટા સાથે કાર્યકર્તા દ્વારા માર્ચનું આયોજન : તા. ૨૭/૧૨/૨૦૨૪ના રોજ બેલ્લારી, કર્ણાટક ખાતે બાપુના સન્માનમાં એક પદયાત્રા નીકળશે જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સી.ડબ્લ્યુ.સી.ના સદસ્યો જોડાશે
અમદાવાદ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સી.ડબ્લ્યુ.સી. સદસ્ય, પૂર્વ સાંસદ અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા અગત્યની પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું કે લોકસભાના સત્ર શરુ થતા પહેલા સ્પીકરશ્રી દ્વારા તમામ રાજકીય પક્ષોને બોલાવી સંસદનું સત્ર ચાલે તે માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઢબંધનના રાજકીય પક્ષોના નેતૃત્વ દ્વારા ભારતમાં મણીપુરમાં છેલ્લા ૨ વર્ષથી જે દયનીય પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે, ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલ ૫ યુવાનોની હત્યાનો મુદ્દો તેમજ સમગ્ર વિશ્વમાં ભારત સરકાર દ્વારા અદાણી ગ્રુપને ભ્રષ્ટાચાર આદરી જે મદદ કરવામાં આવી રહી છે તેની સામે જે.પી.સી.નું ગઠન કરવાની અને તે બાબતે સદનના સત્રમાં ચર્ચા કરવા સમય ફાળવવાની માંગણી કરવામાં આવેલ.
લોકસભામાં સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી અને ભાજપાના નેતા અમિત શાહ દ્વારા ભારતરત્ન અને વિશ્વવિભૂતિ ડૉ. બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવામાં આવેલ અને લાજ્યાના બદલે ભાજપાના સાંસદો દ્વારા ગાજીને અમિત શાહના બચાવમાં સુત્રોચાર કરવામાં આવ્યા. ઉપરોક્ત બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પણ “અમિત શાહ”નું રાજીનામું માંગવાના બદલે તેમના બચાવમાં ઉતરવા સામે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઢબંધનના સાંસદો દ્વારા લોકસભામાં બેનર અને સુત્રોચાર દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભાજપાના સાંસદો દ્વારા લોકસભાના દરવાજા બહારથી જ તેમના ઝંડામાં અગાઉથી લગાવવામાં આવેલા મોટા ડંડા દ્વારા વિપક્ષના સાંસદોને ડરાવવા અને ધક્કા-મુક્કી કરી સંસદગૃહમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા અને ગમે તેમ કરી લોકસભાનું સત્ર ચલાવવાની જે જવાબદારી તેમના શિરે છે તેના બદલે સત્ર કેમ કરી અટકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા.ઉપરોક્ત ઘટના બાદ સમગ્ર દેશમાં જે પ્રત્યાઘાત પડયા અને ભાજપા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાં માંગતા વિરોધ પ્રદર્શન થયા તે બાદ પણ ભાજપાના સાંસદો અને નેતાઓ દ્વારા ડૉ. બાબા સાહેબ વિરુધ્ધનો ભાવ યથાસ્થાને જ રહ્યો.
જગદીશ ઠાકોર એ જણાવ્યું કે ડૉ. બાબા સાહેબ દ્વારા સ્પષ્ટ, વિસ્તાર પૂર્વક અને સચોટ રીતે દેશનું બંધારણ લખવામાં આવ્યું તેના પરિણામ રૂપે જ ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર તડીપાર અને ખંડણીના ગુન્હા નોંધાયેલા અને ૧૦૦ દિવસના જેલવાસ ભોગવવો પડયો હતો જેથી ડૉ. બાબા સાહેબ વિરુધ્ધ તેમના મનમાં ઘૃણાનો ભાવ પેદા થયો છે.
આજરોજ ગુજરાતના અમદાવાદના મણીનગર વિસ્તારમાં જ કે જે હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટાઈ આવેલ તે વિસ્તારમાં જ ડૉ. બાબા સાહેબની મૂર્તિને તોફાની તત્વો દ્વારા ખંડિત કરવામાં આવે તે ઘટનાક્રમ સુનિયોજિત લાગે છે. ભાજપાના પૂર્વજો દ્વારા પણ સતત બંધારણ વિરુધ્ધ ઉચ્ચારણો થતા આવ્યા છે. અને ભૂતકાળમાં ચૂંટણી પહેલા ભાજપાના નેતાઓ દ્વારા “૪૦૦ પાર”ના નારા બાદ બંધારણને બદલી નાખવાની વાતોને આ દેશની જનતાએ ચૂંટણી પરિણામોમાં નકારી કાઢી છે.ભૂતકાળમાં જયારે ભાજપા વિપક્ષમાં હતું ત્યારે અનેકવાર અનામત હટાવવા માટેના આક્રમક કાર્યક્રમો કરવામાં આવેલ છે. જે આપણે સહુ જાણીએ છીએ જે ભાજપની અનામત વિરોધી અને ડૉ. બાબા સાહેબ આંબેડકર વિરોધની માનસિકતા છતી કરે છે. ઉપરોક્ત બાબતો જનતા સમક્ષ લાવવાના નિર્દેશથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજરોજ આખા દેશના ૧૫૦ જેટલા શહેર-જીલ્લાઓમાં પ્રેસ વાર્તાલાપનું આયોજનથી સામુહિક રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગણી કરવામાં આવેલ છે. આ સિવાય તા. ૨૫/૧૨/૨૦૨૪ના રોજ દેશના વિવિધ જીલ્લા અને શહેર સમિતિઓ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના સન્માન માટે તેમના ફોટા સાથે કાર્યકર્તા દ્વારા માર્ચનું આયોજન કરવામાં આવશે.
તા. ૨૬/૧૨/૨૦૨૪ના રોજ પૂજ્ય બાપુને કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યાના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તે યાદમાં કર્ણાટકના બેલ્લારી ખાતે સી.ડબ્લ્યુ.સી.ની વિસ્તૃત કારોબારીની મીટીંગ મળશે અને તા. ૨૭/૧૨/૨૦૨૪ના રોજ બેલ્લારી, કર્ણાટક ખાતે બાપુના સન્માનમાં એક પદયાત્રા નીકળશે જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સી.ડબ્લ્યુ.સી.ના સદસ્યો જોડાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહકન્વીનર હેમાંગ રાવલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. અમિત નાયક પણ હાજર રહ્યા હતા.