અગાઉની કોઈ સરકારે ગુરુ ગોવિંદસિંહના બંને પુત્ર સાહિબજાદા જોરાવરસિંહ તથા સાહિબજાદા ફતેસિંહના બલિદાનને ક્યારેય સન્માન ન આપ્યું : શીખ સમાજનો દેશની સેનામાં, રમતગમતમાં તથા દેશના સર્વાંગી વિકાસમાં ખૂબ મોટો ફાળો : મુખ્યમંત્રી
અમદાવાદ
આજે ગુરુદ્વારા, એસ.જી હાઇવે ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર બાલ દિવસની ઉજવણીના ભાગરૂપે હાજરી આપી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં શીખ ભાઈ બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે અગાઉની કોઈ સરકારે ગુરુ ગોવિંદસિંહના બંને પુત્ર સાહિબજાદા જોરાવરસિંહ તથા સાહિબજાદા ફતેસિંહના બલિદાનને ક્યારેય સન્માન ન આપ્યું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે ૨૬ ડિસેમ્બરને દેશમાં “વીર બાલ દિવસ” તરીકે ઉજવવાનો સંકલ્પ કરી બન્ને બાળકોની વીરતાને સન્માન આપવાનું કામ કર્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર બાળકોની શહાદતને યાદ કરતા જણાવ્યું હતું કે ઈ. સ ૧૭૦૫ માં જ્યારે પંજાબમાં મુઘલ શાસન હતું ત્યારે ત્યાંના નવાબ વઝીર ખાએ બંને બાળકોને બંદી બનાવીને ધર્મ પરિવર્તન કરવા ખૂબ અત્યાચાર ગુજાર્યો હતો. બંને બાળકોએ ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા તેમને ૨૬ ડિસેમ્બરે જીવતા ચણી દેવામાં આવ્યા હતા. બાળકોની વીર શહાદતને દેશના યુવાન જાણે અને પ્રેરણા લે તે ખૂબ જરૂરી છે. શીખ સમાજનો દેશની સેનામાં, રમતગમતમાં તથા દેશના સર્વાંગી વિકાસમાં ખૂબ મોટો ફાળો છે. દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ એનાયત કરવામાં આવતો બાળ શક્તિ પુરસ્કાર આ વર્ષથી ૨૬ ડિસેમ્બરે આપવામાં આવે તેવો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં વીર બાળકોના જીવન અને શહાદતને યાદ કરાવતી પ્રદર્શની નિહાળી કિર્તનમાં ભાગ લીધો હતો સાથે ગુરુદ્વારાના લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજન પીરસ્યું હતું.
આજના કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી. શાહ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને આજના કાર્યક્રમના ઇન્ચાર્જ વર્ષાબેન દોશી તથા ઈન્ચાર્જ મનીષભાઈ પટેલ, પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, સર્વે ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મહાનગરના સર્વે હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તથા શીખ સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.