અદાણી ગેસની કોર્ટ મેટર ફાસ્ટ ટ્રેક પર ક્યારે લડાશે ?
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પો ના વહીવટી તંત્ર દ્વારા હાલ ટેક્ષ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના અનુસંધાને નગરજનોને ટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટીસ આપવામાં આવી હતી સામાન્ય લોકોના ટેક્ષ બાકી હોય તો તેઓની મિલકતની હરાજી કરવામાં આવે છે. હવે તંત્ર દ્વારા નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડી વગાડીને ટેક્ષ વસુલાત કરવાની નવી રીત અત્યાર કરવામાં આવેલ છે સને ૨૦૨૪-૨૫ સુધીનો દક્ષિણ ઝોનનો ૨.૩૫ કરોડ, ઉત્તર ઝોનનો ૨.૧૪ કરોડ, મધ્ય ઝોનનો ૨.૭૭ કરોડ, નવા પશ્ચિમ ઝોનનો ૭.૨૭ કરોડ, પશ્ચિમ ઝોનનો ૩.૦૪ કરોડ, મળી સને ૨૦૨૪-૨૫ સુધીનો અદાણી ગેસ લી. અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનોનો કુલ પ્રોર્પટી ટેક્ષ રૂા. ૧૭.૫૬ કરોડથી વધુની રકમ બાકી છે ત્યારે તેઓની ઓફિસના સ્થળે ઢોલ કેમ વગાડવામાં આવતા નથી ? તેઓને કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? સામાન્ય નગરજન ટેક્ષ ખાતામાં વાંધા અરજી કરે તેમ છતાં ટેક્ષ ખાતા દ્વારા વાંધા અરજીનો સમયસર નિકાલ ના કરે અને સામાન્ય લોકોના ટેક્ષ બાકી હોય તો તેઓની મિલકત સીલ કરે તેની હરાજી કરી મિલકતો જપ્ત કરવામાં આવે છે. સામાન્ય લોકો પાસે કોર્ટ કેસ કરવા માટે નાણાં હોતા નથી એટલે તેઓને અન્યાય થાય છે. અને સામાન્ય નગરજનો પર તંત્ર સત્તાના જોરે નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડી વગાડીને ટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે.
અદાણી, જેવા ઉદ્યોગપતિ તથા મુડીવાદીઓના હાલમાં પ્રોર્પટી ટેક્ષની મોટી રકમ બાકી છે જે બાબતે એક તરફ મ્યુનિ.કોર્પો કોર્ટમાં કેસ ચાલે છે તેવા બહાના બતાવી તેઓને છાવરે છે બીજી તરફ મ્યુનિ.કોર્પો. પાસે ૬૨ જેટલા વકીલોની મોટી ફોજ તેમજ કરોડો રૂા. ફી તેઓને ચુકવતા હોવા છતાં કેસોનો વર્ષો સુધી નિકાલ નથી આવતો ત્યારે અદાણી ગેસની કોર્ટ મેટર ફાસ્ટ ટ્રેક પર ક્યારે લડાશે ? સને ૨૦૧૯-૨૦ થી સને ૨૦૨૪-૨૫ સુધીનો અદાણી ગેસના રૂા.૧૭.૫૬ કરોડની માતબર રકમ બાકી હોવા છતાં પણ અદાણીને રીવરફ્રન્ટ ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચલાવવાનો કોન્ટ્રાક્ટ શિરપાવરૂપે આપવામાં આવેલ છે શા માટે ? જેથી તમામ ઉદ્યોગપતિઓ તથા મોટા મુડીવાદીઓના પ્રોર્પટી ટેક્ષની બાકી કરોડો રૂા. ની રકમ તાકીદે વસુલવા ઢોલ વગાડીને ટેક્ષ વસુલવા માટેની કડક કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસની માંગણી છે.