ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: લુમ્બાજી મોટાજી સ્પેશિયલ ચણા મિસબ્રાન્ડેડ જાહેર થતાં પેઢીને રૂ. ૧ લાખનો દંડ ફટકારાયો


ગાંધીનગર.
ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના નાગરિકોને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ગાંધીનગર મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણમાં પેથાપુરના લુંબાજી મોટાજી ગૃહઉધોગ દ્વારા ઉત્પાદિત ‘લુમ્બાજી મોટાજી સ્પેશિયલ ચણા’ (૫૦૦ ગ્રામ પેક) મિસબ્રાન્ડેડ જાહેર થયા છે.
ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવેલા આ નમૂનાને ગુજરાત રાજ્યની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તે મિસબ્રાન્ડેડ સાબિત થયો હતો. આથી, ૧૮/૦૫/૨૦૨૩ના રોજ એજ્યુર્ડીકેટીંગ ઓફિસર અને અધિક જિલ્લા કલેકટરશ્રી સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તા. ૧૧/૧૨/૨૦૨૪ના રોજ નામદાર કોર્ટ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પેઢીના તમામ જવાબદારોને દોષિત ઠેરાવી કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કાર્યવાહી ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી વિભાગની ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિભાગ ભવિષ્યમાં પણ આવી કાર્યવાહીઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરતું રહેશે