મેડિકલ વર્લ્ડનો કદાચ પહેલો કેસ, દરદીને કારણે ડૉક્ટરને કૅન્સર થયું

Spread the love

આ કેસ જર્મનીનો છે જ્યાં ૫૩ વર્ષના એક કૅન્સર સર્જ્યને ૩૨ વર્ષના દરદીના પેટમાંથી દુર્લભ પ્રકારના કૅન્સરના ટ્યુમરને બહાર કાઢ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ઑપરેશન વખતે ડૉક્ટરનો હાથ કટ થયો હતો. મેડિકલ વિશ્વમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં કૅન્સરના એક દરદીનું ઑપરેશન કર્યા બાદ ડૉક્ટરને પાંચ મહિના પછી એવું જ કૅન્સર થયું હતું. આ પ્રકારનો આ પહેલો કેસ છે જેણે મેડિકલ સમાજને હેરાન કરી દીધો હતો. આ કેસ જર્મનીનો છે જ્યાં ૫૩ વર્ષના એક કૅન્સર સર્જ્યને ૩૨ વર્ષના દરદીના પેટમાંથી દુર્લભ પ્રકારના કૅન્સરના ટ્યુમરને બહાર કાઢ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ઑપરેશન વખતે ડૉક્ટરનો હાથ કટ થયો હતો, પણ ડૉક્ટરે તરત ડિસઇન્ફેક્ટ કરીને બૅન્ડેજ લગાવી દીધું હતું. જોકે પાંચ મહિના બાદ ડૉક્ટરે જોયું કે જ્યાં હાથ કટ થયો હતો એ જગ્યા પર એક નાની ગાંઠ થઈ હતી અને તપાસ કરતાં ખબર પડી કે આ ગાંઠ કૅન્સરની હતી અને આ કૅન્સર પેલા દરદી જેવું જ હતું.

નિષ્ણાતોએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે દરદીના કૅન્સર સાથે સંકળાયેલા ટ્યુમર સેલ્સને કારણે ડૉક્ટરને પણ કૅન્સર થયું હતું. ઑપરેશન વખતે ડૉક્ટરનો હાથ કટ થયો ત્યારે ટ્યુમરના સેલ્સ ડૉક્ટરના કટ થયેલા હાથની જગ્યાએથી તેમના શરીરમાં પહોંચ્યા હતા. બહારના ટિશ્યુ શરીરમાં આવે તો શરીરની ઇમ્યુન સિસ્ટમ એને નષ્ટ કરી દે છે, પણ ડૉક્ટરના શરીરની ઇમ્યુનિટી ટ્યુમરના સેલ્સને નષ્ટ કરવામાં નિષ્ફળ રહી હતી. આ કેસ ૧૯૯૬માં પહેલી વાર સામે આવ્યો હતો અને એને હાલમાં જ ‘ન્યુ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ દુર્લભ પ્રકારના આ કૅન્સરને મેડિકલ ભાષામાં ‘મૅલિગ્નન્ટ ફાઇબ્રસ હિસ્ટિયોસાઇટોમા’ કહેવામાં આવે છે જે સૉફ્ટ ટિશ્યુમાં વિકસિત થાય છે. મેડિકલ નિષ્ણાતો જણાવે છે કે આવું થવું દુર્લભ છે. સામાન્ય રીતે ટ્રાન્સપ્લાન્ટ વખતે ઇમ્યુનિટી બહારના સેલ્સનો સ્વીકાર કરતી નથી, પણ ડૉક્ટરના કેસમાં તેમની ઇમ્યુનિટી કમજોર સાબિત થઈ હતી. જોકે ડૉક્ટરના ટ્યુમરને સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું હતું અને બે વર્ષ બાદ પણ તેમના શરીરમાં કૅન્સર ફરી થયું નહીં. આ પ્રકારનો કેસ કૅન્સર સંબંધિત રિસર્ચ માટે નવો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *