પતિના મોત બાદ રહમરાહે મળેલી નોકરી બાદ પુત્રવધુએ કહ્યું હતું કે તે પરિવારનું ધ્યાન રાખશે અને જવાબદારી ઉઠાવશે. પરંતુ બાદમાં ફરી ગઈ અને હવે કોર્ટે પુત્રવધુને સાસુને દર મહિને 10 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો છે. અનુકંપા નિયુક્તિ અંગે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ક હ્યું છે કે પતિના મોત બાદ અનુકંપા એટલે કે રહમરાહે નોકરી મેળવનારી મહિલાએ પોતાની સાસુને ભરણપોષણ ભથ્થું આપવું પડી શકે છે. કોર્ટનું કહેવું છે કે CrPC ની કલમ 125 હેઠળ વહુ પર સાસુ સસરાના ભરણપોષણની જવાબદારી નથી પરંતુ ન્યાય માટે અપવાદ કહી શકાય. જસ્ટિસ હરપ્રીત સિંહ બરાડની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જેમાં મહિલાને સાસુને દર મહિને 10 હજાર રૂપિયા આપવાનો આદેશ અપાયો છે. અરજીકર્તા મહિલાને વર્ષ 2002માં પતિના મોત બાદ વર્ષ 2005માં રેલવે કોચ ફેક્ટ્રી તરફથી જૂનિયર ક્લાર્કનું પદ અપાયું હતું. ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે સાસરું છોડીને જતી રહી. વર્ષ 2022માં તેની સાસુ સોનીપતની ફેમિલી કોર્ટમાં પહોંચી અને ભરણપોષણ ભથ્થું આપવાની માંગણી કરી. માર્ચ 2024માં અરજીકર્તાને તેની સાસુને ભરણપોષણ ભથ્થું આપવા માટે આદેશ અપાયો. તેમણે કહ્યું કે સાસુને અન્ય બાળકો પણ છે જે તેમને સંભાળી શકે છે. એ પણ કહેવાયું કે સાસુ 20 વર્ષ બાદ કોર્ટમાં પહોંચ્યા છે. ખાસ વાત એ છે કે હાઈકોર્ટે એ પણ જાણ્યું કે નિયુક્તિના સમયે મહિલાએ કહ્યું હતું કે તે પતિના પરિવારના સભ્યો અને નિર્ભર લોકોની દેખભાળ કરશે. એ પણ જાણ્યું કે સાસુની પુત્રીના લગ્ન થઈ ગયા છે અને બીજો પુત્ર રિક્ષા ચલાવે છે અને તેણે પોતાના ગંભીર રીતે બીમાર બાળકનું ધ્યાન રાખવાનું હોય છે. આવામાં તેમનું ધ્યાન રાખનાર કોઈ નથી. કોર્ટે સમજાવ્યું કે CrPC ની કલમ 125 હેઠળ ભરણપોષણ ભથ્થું આપવાનો હેતુ અભાવથી બચાવવાનો છે. આ સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ન્યાયસંગત અને સાવધાની સાથે સંતુલન બને અને તે ઉત્પીડનના હથિયારમાં ન ફેરવાય. કોર્ટે નિયુક્તિ દરમિયાન મહિલા તરફથી અપાયેલા શપથપત્ર ઉપર પણ ભાર મૂક્યો. કોર્ટે કહ્યું કે અરજીકર્તાને રહમરાહે નોકરી મળી હોવાથી તેમણે સાસુની દેખભાળ કરવી પડશે, કારણ કે તે હવે તેના મૃત પતિની જવાબદારી ઉઠાવી રહી છે. કોર્ટે કહ્યું કે રેકોર્ડથી જાણવા મળે છે કે અરજીકર્તા દર મહિને 80 હજાર રૂપિયા કમાય છે. આવામાં અરજીકર્તા માસિક 10 હજાર રૂપિયાનું ભરણપોષણ ભથ્થું સાસુને આપી શકે છે.