વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંથી એક પ્રયાગરાજ મહાકુંભ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે પણ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં જોવાલાયક સ્થળોની યાદીમાં ચોક્કસપણે શિવાલય પાર્કનો સમાવેશ કરો. તમે ક્યારેય સાંભળ્યું છે કે ભંગારમાંથી એક અદભૂત તીર્થ સ્થળ તૈયાર કરી શકાય?… ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભ નગર ક્ષેત્રમાં શિવાલય પાર્ક તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 14 કરોડના ખર્ચે 11 એકરમાં બનેલા શિવાલય પાર્કમાં કયા-કયા આકર્ષણો છે?. તેને બનાવતાં કેટલો સમય લાગ્યો આ પાર્ક માત્ર એક દર્શનીય સ્થળ નથી. આ પાર્ક અધ્યાત્મનો મોટો ભંડાર છે. અહીંયા તમે ભગવાન શિવ અને તેમના મંદિર વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ચોંકી ગયા ને પરંતુ આ હકીકત છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો 13મી જાન્યુઆરીથી શરૂ થવાનો છે. મહાકુંભની ભવ્યતા અને આધ્યાત્મિકતાને નવી ઉંચાઈ આપવા માટે પ્રયાગરાજના નૈની અરેલ ઘાટ પર શિવાલય પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આ શિવાલય પાર્કમાં એવું તે શું છે જે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. તો તે પણ જાણી લો. આ પાર્ક 400 ટન ભંગારમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કટાઈ ગયેલા વીજળીના થાંભલા, જૂની ટ્રક, કાર, પાઈપ, રિક્ષા, રેલવેના તૂટેલા પાટા અને અન્ય ભંગારનો ઉપયોગ કરાયો છે. તેની પાછળ 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શિવાલય પાર્ક 11 એકરમાં ફેલાયેલો છે. 22 કલાકારો અને 500 શ્રમિકોએ 3 મહિનાની મહેનત બાદ તેને તૈયાર કર્યો છે.