કેરળમાં 18 વર્ષની એક વિદ્યાર્થીની પર ત્રણથી ચાર વર્ષ સુધી કથિત જાતીય હુમલા અને સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે ઓછામાં ઓછા 14 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના પથનમથિટ્ટામાં બની હતી. બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીનીએ કુડુમ્બશ્રી ‘સ્નેહિતા’ પહેલ દરમિયાન કાઉન્સેલર સમક્ષ પોતાની સાથેના દુર્વ્યવહાર અને જાતીય હુમલો કરનારા લોકોની સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ બધા લોકો તેમના પડોશીઓ, સહપાઠીઓ અને અમુક અજાણ્યા લોકો પણ હતા. કાઉન્સેલરે બાળ કલ્યાણ સમિતિ (સીડબલ્યુસી)ને આ વિશે જાણ કરી હતી અને પછી સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. પોતાના પડોશી સાથે તેની મિત્રતા પછી તેનું કઈ રીતે શોષણ કરવામાં આવ્યું તેની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સીડબલ્યુસીના કાઉન્સેલર અને મનોવૈજ્ઞાનિકોએ યુવતી સાથે કેટલાય સેશન વાતચીત કરી હતી અને ત્યાર પછી પોલીસને બોલાવવામાં આવી હતી. પથનમથિટ્ટા જિલ્લા ક્રાઇમ બ્રાન્ય મીડિયા સેલના સંજીવ મનકટ્ટુપુઝાએ બીબીસી હિંદીને જણાવ્યું કે “વિદ્યાર્થીનીએ પોતાના પિતાના ફોન પર આવેલા લગભગ 40 વ્યક્તિઓના ફોન કોલના પુરાવા આપ્યા હતા.” સંજીવે જણાવ્યું કે, “પ્રથમ આરોપી પાસે પોતાના મોબાઇલ ફ્રોન પર જાતીય હુમલાના વીડિયો હતા. તેના દ્વારા તેણે યુવતીને બ્લેકમેલ કરી અને તેને પોતાને મિત્રો પાસે લઈ ગયો હતો.” પથનમથિટ્ટા પોલીસે અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધ્યા છે. તેમાંથી કેટલાક આરોપીઓ આ જિલ્લાના જ હોવાનું કહેવાય છે. આ કેસમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.