અમરેલી પત્રકાંડમાં મહિલાનું સરઘસ કાઢવા બદલ પોલીસ તંત્ર પર રીતસરના માછલા ધોવાતા પોલીસ જાગી છે. પોલીસના એસપી સંજય ખેરાતે છેવટે કાર્યવાહી કરીને એક મહિલા પોલીસ કર્મી સહિત ત્રણ પોલીસ કર્મચારીને ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કર્યા છે. પોલીસે પત્રકાંડના આરોપી પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં મહિલા પોલીસ કર્મચારી હીના મેવાડા, કિશન આસોદરિયા અને જારસંગ મળસારીયાને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજે જ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મહિલા આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું તે યોગ્ય થયું નથી અને તેના પછી આ કાર્યવાહી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પત્રકાંડની આરોપી મહિલા પાયલ ગોટી જાહેરમાં આવી હતી અને તેણે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જેલમાંથી છૂટ્યા પછી વિઠલપુર ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાને નિર્દોષ ગણાવી હતી. તેની સાથે તેણે બનાવટી પત્રની એફએસએલ તપાસ કરવાની માંગ કરી હતી. તેની સાથે પોલીસે તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે પોલીસે તેની સામે ફક્ત કાયદાકીય કાર્યવાહીના બદલે સરઘસ કાઢીને રીતસરનું તેની આબરુનું સરઘસ કાઢ્યુ હતુ. તેણે કૌશિક વેકરિયાને મોટાભાઈ સમાન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવું કોઈ બીજું બહેન-દીકરીનું ન થાય તેનું ધ્યાન રાખજો. તેની સાથે પાયલે તેને સમર્થન આપનારા બધા સમાજના આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે મારે રાજકારણ સાથે કી લેવાદેવા નથી. હું રાજકારણમાં ઉતરવા પણ માંગતી નથી, પણ હા મારે ન્યાય જોઈએ છે, મેં કોઈ ગુનો કર્યો નથી તો પછી મારી સાથે આવું કેમ થયું. તેણે જણાવ્યું હતું કે જેનીબેન ઠુમ્મર આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલા તેમના પરિવારને હિંમત આપવા આવ્યા હતા. પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને ત્રણ પેજનો પત્ર લખ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીની અમરેલીના પત્રકાંડમાં અડધી રાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસના આ પગલાંની ચોતરફ ટીકા થઈ હતી. આપ અને કોંગ્રેસ બંનેએ પત્રકાંડમાં મહિલા સાથેની વર્તણૂકને લઈને વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.