……………………
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા
……………………
વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા
—————
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-RSSની સ્થાપનાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા.૧૨ જાન્યુઆરી ‘યુવા દિવસ’ના રોજ રામકથા મેદાન, ગાંધીનગર ખાતે ભવ્ય ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો. જેમાં ગાંધીનગર શહેર વિસ્તારમાંથી ૧૦૦ શાખાઓના લક્ષ્યાંક સામે આયોજિત ૧૦૮ શાખાઓમાં ઉપસ્થિત ૨,૦૦૮ સ્વંયસેવકોએ સહભાગી થઈને સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ના નારા સાથે ગુંજવી દીધું હતું. આ સંગમમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ૩૪ દિવ્યાંગ સ્વંયસેવકો તેમજ ૫૮ માતૃ શક્તિ-બહેનોની પણ અલગથી શાખા લગાવવામાં આવી હતી. આ સંગમમાં ગુજરાત પ્રાંતના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર વિસ્તારના સંઘચાલક શ્રી શંકરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના ઈતિહાસમાં એક સાથે એકજ મેદાન ઉપર ભગવા ધ્વજ સાથે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ૧૦૮ શાખા લગાવવાનું આયોજન કરાયું તે સમગ્ર હિન્દુ સમાજની સંગઠિત શક્તિ અને કાર્યકર્તાઓની રાષ્ટ્ર પ્રત્યેની સમપર્ણ ભાવના દર્શાવે છે. આધ્યાત્મિક રીતે અને ઈમરજન્સી સારવારની સુવિધા માટે ૧૦૮નો આંકડો આપણા સૌ માટે ખૂબ મહત્વનો રહ્યો છે. સંઘની સ્થાપનાનું ૧૦૦મું વર્ષ અને ભારતની ૨૧મી સદી આ બન્ને અનોખા સંયોગ છે. ડૉ. અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦’માં કહ્યું છે કે, ૨૧મી સદી એ ભારતની સદી છે. હિન્દુ વિચાર – રાષ્ટ્ર સર્વોપરી સાથેના ૧૦૦ વર્ષની સફરમાં આજે દેશભરમાં ૭૮,૦૦૦ થી વધુ દૈનિક શાખા,૧૮,૦૦૦ વધુ સાપ્તાહિક મિલન તેમજ ૧૬,૦૦૦ વધુ માસિક મિલન, ૩૨ થી વધુ વિવિધ સંગઠનો સહિત વિશ્વના ૨૦ દેશોમાં સંઘના સ્વંયસેવકો ભારત માતાની આરાધના કરી રહ્યા છે.આ ઉપરાંત સંઘ દ્વારા દેશભરમાં અંદાજે ૨,૦૦૦થી વધુ સેવા કાર્ય ચાલી રહ્યા છે.
ડૉ. ભાડેસીયાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ તેના ૧૦૦માં વર્ષની ઉજવણી નિમિતે સમાજની સજ્જન શક્તિના સહયોગથી પાંચ બિંદુઓના આધારે સમાજ પરિવર્તન – સેવા માટે કાર્ય કરી રહ્યો છે. આ પંચ પ્રણ- પરિવર્તનમાં પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્યબોધ, સામાજિક સમરસતા અને સ્વદેશીનો સમાવેશ થાય છે. આજે દેશ વૈશ્વિક આતંકવાદ,ખરાબ પર્યાવરણ, ભાષા -પ્રાંતવાદ અને સંસ્કારનો અભાવ જેવા મુખ્ય સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે.આ માટે દેશ વિરોધી તત્વો દ્વારા દેશને તોડવા નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે.
આ નેરેટિવ સામે સમાજની સજ્જન શક્તિએ દેશહિતમાં વધુ જાગૃત થવાની જરૂર છે. આ વિચારને વધુ ચરિતાર્થ કરવા શ્રી સ્વામિનારાયણ પરિવાર, ગાયત્રી પરિવાર, આર્ટ ઓફ લિવિંગ, રામકૃષ્ણ મિશન, સ્વાધ્યાય પરિવાર સહિત અનેક સંગઠનો ખૂબ નોંધનીય કામગીરી કરી રહ્યા છે. પ્રયાગરાજ ખાતે શરૂ થયેલા મહાકુંભને ‘હરિત મહાકુંભ’ બનાવવા સમગ્ર દેશમાંથી ‘એક થાળી એક થેલી’નું સફળ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેને હિન્દુ સમાજમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
ડૉ. ભાડેસીયાએ સંઘની શતાબ્દી નિમિત્તે ઉપસ્થિત સૌ સજ્જન શક્તિ, વડીલો, ભાઈઓ અને બહેનોને રાષ્ટ્રીય હિતમાં,હિન્દુ ધર્મના રક્ષણ માટે એક થવા આહ્વાન કરીને સંગમના ભવ્ય- સફળ આયોજન બદલ સૌ સ્વંયસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી-યુવા દિવસે બપોરે ૩.૦૦ કલાકે યોજાયેલા સંઘ શતાબ્દી સંગમમાં રામકથા મેદાનમાં સ્વંયસેવકો દ્વારા જાહેરમાં આસનો- યોગાસન,વિવિધ રમતો સહિત શારિરીક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વંયસેવકો દ્વારા શાખાના મંડળ-સર્કલને પંચ પરિવર્તન સહિત ભારત માતા, અખંડ ભારત, ભારતનો નકશો, એક મંદિર, એક સ્મશાન અને એક કૂવો જેવા વિવિધ થીમ આધારિત સુશોભન કરવામાં આવ્યું હતું.
આ સંગમમાં આમંત્રિત નગરજનો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંતર્ગત સાધના સાહિત્ય- સાપ્તાહિક, સંઘની વિવિધ વસ્તુ વેચાણ ભંડાર, રામકૃષ્ણ મિશન, ભારતીય વિચાર મંચ, ગાયત્રી પરિવાર અને વિવેકાનંદ કેન્દ્ર દ્વારા હિન્દુત્વ, રાષ્ટ્રીય વિચાર અને આધ્યાત્મિક વિષયક પુસ્તકોના સ્ટોલ ઉપરાંત અર્થ શાસ્ત્ર અને નિવા ઓર્ગેનિક સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા ગૌ ઉત્પાદન વેચાણનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
મુખ્ય સ્ટેજની સામે ભારતીય બંધારણની પ્રતિકૃતિ, ભારત માતાની પ્રતિમા, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા, આઝાદીના લડવૈયાઓ, ગૌ સેવા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સેવા કાર્યો દર્શાવતી જાહેર પ્રદર્શની પણ નગરજનોએ રસ પૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે સંઘની વ્યવસ્થા મુજબ તમામ ૧૦ નગરની ૭૨ વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર પ્રથમ અને હિન્દુત્વના વિચાર સાથે કાર્યરત સંઘની સ્થાપનાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આયોજિત ‘સંઘ શતાબ્દી સંગમ’માં ગાંધીનગરની સ્થાપના વખતે સંઘ કાર્યના પાયાના પથ્થર એવા વડીલ સ્વયંસેવકો, વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો-બાળકો સહભાગી થયા હતા.