ગુજરાતમાં ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરની અગાસી પર લોકો પતંગ ચગાવી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પતંગ લૂંટવા જેવી સામાન્ય બાબતમાં અથડામણ જોવા મળી હતી. લોકો એક બીજા પર ડંડા લઇને તૂટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ આખો મામલો થાળે પાડ્યો હતો.
ઉત્તરાયણ પર્વની ઠેર-ઠેર ઉજવણી ચાલી રહી છે. કેટલાક પતંગ ચગાવવામાં મગ્ન છે તો અમુક પતંગ લૂંટવામાં ભાગદોડ કરતા જોવા મળે છે ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયુ હતું.
સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ઘટનામાં કેટલાક શખ્સો લાકડી સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી.પતંગ લૂંટવાની સામાન્ય વાતને લઈને થયેલી બબાલની ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.